એસ.ટી. બસમાં સૌથી વધુ પ્રવાસીઓ ગ્રામીણ હોય છે : ગામડાંમાં હવે બસો દોડાવો

ભુજ, તા. 4 : કચ્છમાં લોકડાઉનને પગલે બંધ રહેલી એસ.ટી. બસ સેવા હવે આંશિક રીતે ચાલુ કરવામાં આવી છે પરંતુ એસ.ટી. બસનો સૌથી મોટો પ્રવાસીવર્ગ છે એ ગ્રામીણ લોકોને તો લાભ મળતો નથી. એવામાં ગરીબ લોકો કહે છે કે, જેમની પાસે બસની ટિકિટ પણ માંડ નીકળે છે એ ક્યાંથી ખાનગી વાહનો ભાડે કરી શકશે ?ગામડાંના મુસાફરોએ બળાપો કાઢતાં જણાવ્યું હતું કે, શહેરવાળા જેમની પાસે પોતાનાં વાહનો છે એ તો પહેલાં પણ બસમાં બેસતા ન હતા અને હમણા પણ બેસતા નથી. તો ગામડાંના ગરીબ લોકો માટે બસની સગવડ કોણ આપશે. અત્યારે બસોને માત્ર એક ડેપોથી સીધા બીજા ડેપો વચ્ચે જ દોડાવવામાં આવે છે. લગભગ કચ્છમાં 107 રૂટ શરૂ કરી દેવામાં આવ્યા છે પરંતુ જે ગામ ઉપરથી બસ પસાર થાય છે તેમને લાભ તો મળવો જોઈએ. ભુજથી ગાંધીધામની બસમાં કુકમા કે રતનાલના પ્રવાસીને બેસાડવામાં આવે, ક્રીનિંગ કરી સેનિટાઈઝ કર્યા બાદ ભલે કુકમા ઊતરવું હોય તોય ભાડું તો ગાંધીધામનું વસૂલવામાં આવે છે. માત્ર એસ.ટી. તંત્રે પોતાની વ્યવસ્થા પૂરતી જ જાણે બસો ચાલુ કરી હોય તેવું લાગે છે તેવું જણાવાયું હતું. મોટાભાગની બસો ખાલી દોડી રહી છે, તેના કારણે ગ્રામીણ મુસાફરોને લાભ મળતો નથી. દા.ત. ભુજથી અબડાસા જનારા પ્રવાસીને ભલે વચ્ચે ભવાનીપુર ઊતરવું હોય તો રોડ ઉપર ઉતારવામાં આવે પણ ટિકિટ નલિયા સુધીની લેવી પડે છે. આ તો માત્ર ઉતારી દેવાની સગવડ છે પરંતુ નલિયાથી નીકળેલી બસમાં રોડ પરના ભવાનીપર, બિટ્ટા, તેરા કે અન્ય ગામમાં થોભાવવામાં આવતી નથી. એવું જ ગાંધીધામથી ભુજ, માંડવી-ભુજનો તાલ છે. વચ્ચે ભલે ગામડા આવે પ્રવાસીને ચડાવવામાં આવતા નથી. સામાજિક અંતર રાખીને બસ સેવા ચાલુ કરવામાં આવી છે તે આવકાર્ય છે, પરંતુ પ્રવાસીઓએ જણાવ્યું કે 50 ટકા સ્ટાફ ઘટે છે, તેઓને બોલાવી પૂરતા ડ્રાઈવર-કંડક્ટર સાથે બસ સેવા ગામડાંને જોડતી શરૂ કરવામાં આવે તેવી માંગ ઊઠી છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer