કચ્છ માટે ખાસ સ્વતંત્ર જમીન સંપાદન અધિકારીની નિમણૂક કરવા કિસાન સંઘની માંગ

ભુજ, તા. 4 : નર્મદાના પાણી પ્રશ્ને રાજકીય નિવેદનોના થયેલા જંગ વચ્ચે આજે કચ્છ ભારતીય કિસાન સંઘે મુખ્યમંત્રીને સંબોધીને વહીવટી તંત્રને સુપરત કરેલા આવેદનપત્રમાં 2020-21ના વર્ષમાં કચ્છને ફાળવાયેલા બજેટનો ઉપયોગ થાય તે માટે સ્વતંત્ર ખાસ જમીન સંપાદન અધિકારીની નિમણૂક સહિતની માગણી કરી હતી. સંઘના પ્રમુખ શિવજીભાઈ માદેવા બરાડિયાએ આવેદનપત્રમાં રજૂઆત કરી હતી કે, કચ્છ શાખા નહેરને સાંકળતા 231 કિ.મી.થી 357 કિ.મી. સુધીમાં જમીન સંપાદનને લગતા પ્રશ્નો પડતર બન્યા છે. જરૂરી જમીનના કબ્જા મળતા નથી. તેમણે જણાવ્યું હતું કે, અત્યારે જમીનના માલિકી હક્કો નક્કી થવામાં વિલંબ, જમીનના કબ્જાફેર, વારસાઈના પ્રશ્નો, જાહેર થયેલા એવોર્ડમાં સુધારા, પિયત જમીનોમાં બાગાયતી ફળાઉ ઝાડોનું યોગ્ય વળતર નહીં મળવાથી સમસ્યા છે. વધુમાં એવી રજૂઆત કરી હતી કે, મોટાભાગના પ્રશ્નો મુંદરા તેમજ માંડવી તાલુકાના ખેડૂતોને લગતા છે. ખેડૂતોએ હજારો એકરમાં બાગાયતી ખેતી કરી છે. એકતરફ ભૂગર્ભજળ તીવ્રતાથી નીચે જઈ રહ્યા છે. ત્યારે નર્મદા નીર એકાદ બે વર્ષમાં જો નહીં પહોંચે તો હયાત બાગાયતી પાકો નિષ્ફળ જશે. કચ્છ શાખા નહેર ઉપરાંત અન્ય પેટા નહેરોના કામ પૂર્ણ કરવા જમીનો સંપાદિત કરવી જરૂરી છે. વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે કચ્છ માટે સ્વતંત્ર જમીન સંપાદન અધિકારીની તાત્કાલિક નિમણૂક જરૂરી છે. અત્યારે એક કચેરી ભચાઉ અને બીજી આદિપુર છે. ભચાઉમાં અધિકારીનું રેગ્યુલર પોસ્ટિંગ છે તેમજ અન્ય પાંચ કચેરીઓનો ચાર્જ છે. પરિણામે ખેડૂતોને ન્યાય નથી અપાતો તેવું ઉમેર્યું હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer