રાપર વિસ્તારની પીવાનાં પાણીની સમસ્યા યુદ્ધના ધોરણે ઉકેલવા મંત્રીને અનુરોધ

ભુજ, તા. 4 : રાપર વિધાનસભાના પૂર્વ ધારાસભ્યે બે દિવસીય પ્રવાસ કરી લોકોની પૂછપરછ કરતાં પીવાનાં પાણીની સમસ્યા અંગે વ્યાપાક રજૂઆત આવતાં પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને જિલ્લા કલેકટરને વિગતવાર રજૂઆત કરી લોકોની મુશ્કેલી દૂર કરવા અનુરોધ કર્યો હતો. આ અંગે માહિતી આપતાં પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ જણાવ્યું કે, લોકડાઉન હળવું થતાં જ લોકોની સમસ્યા જાણવા પ્રવાસ કર્યો હતો. સરકારની સમયસરની કામગીરીને કારણે લોકોને કોરોનાની મહામારીની સમસ્યા ઊભી થઈ નથી, પરંતુ પીવાનાં પાણીની અછત અંગે રજૂઆતો મળતાં આ સંદર્ભે સંબંધિત વિભાગના અધિકારીઓનો સંપર્ક કરતાં જાણવા મળ્યું કે, રાધનપુર-નંદાસર પાસે નહેર પર પુલનું કામ ચાલુ હોતાં પાણીવિક્ષેપ સર્જાયો છે. હાલ પુલનું કામ ચાલુ છે, ત્યાં પાણીનું વહેણ ચાલુ રાખવા પાઈપ બેસાડી, તેની ઉપર માટી નાખીને કે અન્ય રીતે પાણીને વહેતું રાખવાનો ઉકેલ શોધવાનું સૂચન કરતાં શ્રી મહેતાએ ઉમેર્યું હતું કે 1પથી 20 એમ.એલ.ડી. પાણી નહેર વાટે પહોંચતું થઈ શકે, રાપર-ભચાઉ શહેર ઉપરાંત ફતેહગઢ અને સુવઈ ડેમ આધારિત પાણી યોજના હેઠળ સંકળાયેલાં ગામો સાથેસાથે ખડીર, બાલાસર, આડેસર, પલાંસવા, ગાગોદર સુધીના વિસ્તારોનાં તળાવો ભરીને અનેક ગ્રામીણ વિસ્તારને પાણી સરળતાથી પહોંચાડી શકવાનું આયોજન શક્ય બને. રાપર પંથકને હાલ માળિયા પઈપલાઈનમાંથી પાણી અપાય છે, તે નહેર વાટે આપવાનું આયોજન કરાય તો કચ્છને અપાતાં પાણીમાં બચત થતાં ભુજ-અંજાર અને કચ્છને અપાતા પાણીનો જથ્થો બચે, તો આ વિસ્તારને પણ ઉનાળામાં પર્યાપ્ત પાણી પૂરું પાડવાનું શક્ય બને. શ્રી મહેતાએ જિલ્લા કલેક્ટરને પણ પાઠવેલા પત્રમાં જિલ્લામાં દર સોમવારે મળતી બેઠકમાં પીવાનાં પાણીના પ્રશ્નને અગ્રતા આપી સંબંધિત વિભાગના અધિકારીઓને વ્યવહારુ ઉકેલ શોધી લોકોની મુશ્કેલી દૂર કરવા સૂચવ્યું હતું. શ્રી મહેતાએ વધુમાં કહ્યું હતું કે, રાપર નગરપાલિકા દ્વારા પણ પાણીની મુશ્કેલી દૂર કરવા મથામણ ચાલી રહી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer