ભુજમાં અલગ-અલગ શાખાના કર્મી, વડીલોને દવા-ઉકાળાનું વિતરણ

ભુજ, તા. 4 : વિશ્વવ્યાપી કોરોના વાયરસનાં સંક્રમણ સામે નાગરિકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી પ્રવર્તમાન સારવારને વધુ સરળ બનાવવા જિલ્લા આરોગ્ય વિભાગ સહિત વહીવટીતંત્રએ પગલાંઓ માટે પ્રેરિત કર્યું છે તે મુજબ અદાણી સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલમાં ચાલતા આયુર્વેદ પ્રખંડ દ્વારા જુદી-જુદી દવાઓ સીધી અને ઉકાળા સ્વરૂપે આપવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. નિયામક આયુષની અને જિલ્લા આયુર્વેદ અધિકારીની સૂચના અને જી. કે.ના વહીવટીતંત્રનાં માર્ગદર્શન મુજબ હાલની રોગચાળાની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ શહેરમાં વિવિધ સ્થળોએ ફરજ બજાવતા પોલીસ કર્મીઓ, નગરપાલિકાના સફાઇ કર્મીઓ તથા જુદી જુદી સરકારી કચેરીના સ્ટાફને અને હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીઓને પણ દવાનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત માધાપર યક્ષ મંદિર કવોરેન્ટાઇન સેન્ટરમાં નિયમિત આયુર્વેદ અમૃતપેય અને દવાનું વિતરણ કરાયું હતું. ઉપરાંત હાલમાં વડીલોમાં પણ રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે સંસમની વટી અને અમૃતપેય ઉકાળાનું વિતરણ કરાઇ રહ્યું છે એવું રાજ્ય સરકાર પ્રેરિત જી.કે.માં આયુર્વેદ વિભાગ સંભાળતા ડો. પીયૂષ ત્રિવેદીએ જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer