ભુજના દેશલસર તળાવમાં જળકુંભી નાશ માટે તૈયારી

ભુજ, તા. 4 : દેશલસર તળાવને નુકસાનકર્તા વનસ્પતિ જળકુંભીનો નાશ કરવા સંસ્થાએ તૈયારી દર્શાવી છે. જળાશયોનો કાળ કહી શકાય તેવી એક અતિ ઉપદ્રવી વનસ્પતિએ છેલ્લા કેટલાક સમયથી શહેરના ઉપેક્ષિત જળાશય દેશલસરને પોતાના આક્રમણથી ઘેરી લઈ તેને ફરજિયાત પણે મૃત્યુ તરફ ધકેલી રહી હોવાથી જાગૃત નાગરિકો અને નગરપાલિકાએ આ વનસ્પતિના નિકાલ માટે ચિંતા પ્રકટ કરી હતી. દેશલસર આસપાસ વસવાટ કરનાર અને જળાશયપ્રેમી જાગૃત નાગરિકોએ આ વનસ્પતિના નિકાલ માટે નગરપાલિકા પાસે અવારનવાર રજૂઆતને ધ્યાને લઈને સત્તાવાળાઓ આ વનસ્પતિ નિકાલ માટે કટિબદ્ધ બન્યા હતા. જળકુંભીના નાશ માટે સંયુક્ત પ્રયત્ન જરૂરી હોવાથી નગરપાલિકાના કાર્યમાં મદદરૂપ થવા માટે અરજણ ચોથાભાઈ આહીર મેમોરિયલ ટ્રસ્ટના લાલજીભાઈ પાસે ટ્રસ્ટી નવીનભાઈ બાપટે રજૂઆત કરતાં ટ્રસ્ટે આ કાર્યમાં સહકાર આપવાની ખાતરી આપી હતી. નગરપાલિકા પ્રમુખ લતાબેન સોલંકી, ચેરમેન ભરતભાઈ રાણા, મુખ્ય અધિકારી નીતિન બોડાત અને પાલિકાના એન્જિનીયર્સ સાથે આ બાબતે વિસ્તૃત ચર્ચા કરી જળકુંભી નિવારણ માટે નગરપાલિકા અને ટ્રસ્ટ સંયુક્તપણે કાર્ય કરવા સંમત થયા હતા. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer