સર્વર ઠપની સમસ્યાથી એસ.બી.આઈ.ના ખાતાધારકો અકળાયા

ભુજ, તા. 4 : દેશની અગ્રણી રાષ્ટ્રીયકૃત બેન્ક એવી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં ઉપભોક્તાઓને વેઠવી પડતી મુશ્કેલીઓ અંગે અનેકવાર ફરિયાદો ઊઠતી રહે છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી અવારનવાર સર્વર ઠપ રહેવાની સમસ્યાના કારણે ખાતેદારોને વ્યાપક હાલાકી વેઠવાનો વારો આવી રહ્યાની ફરિયાદો ઊઠી રહી છે. ખાતેદારોએ પોતાનો કચવાટ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ક્યારેક થોડીક વાર માટે તો ક્યારેક કલાકો સુધી સર્વર ઠપ થઈ જતું હોવાના કારણે પૈસા જમા કરવા, ઉપાડ કરવા કે અન્ય કારણોસર બેન્કમાં આવનારાઓને ધરમ ધક્કો ખાવાની નોબત આવી રહી છે. એક માસમાં ક્યારેક ચારથી પાંચ તો ક્યારેક એથીય વધુ દિવસો એવા નીકળી આવે છે જ્યારે સર્વર ડાઉન હોય અને તે કારણે બેન્કની મોટાભાગની કામગીરી કલાકો સુધી સ્થગિત પડી હોય. કેટલીક વાર તો બેન્ક ખૂલવાના સમયે જ સર્વર ઠપ થઈ જતું હોવાના કારણે કામસર આવતા લોકોને લાંબો સમય સુધી રાહ જોવડાવ્યા બાદ પણ અંતે તો ખાલી હાથ પરત ફરવાની નોબત આવી રહી છે. વારંવાર સર્જાતી આ પ્રકારની સમસ્યાથી કાયમી છૂટકારો મળે તેવું સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના ખાતેદારો ઈચ્છી રહ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer