ગાંધીધામ સંકુલની કેટલીક શાળાઓએ ફી ભેગી કરવા નવા નવા ખેલ કરવા માંડયા

ગાંધીધામ, તા. 4 : જિલ્લાના આર્થિક પાટનગર એવા આ સંકુલમાં અનેક મોટી-મોટી અને ઊંચી ફી ઉઘરાવતી ખાનગી શાળાઓ આવેલી છે. હાલમાં કોરોના અને લોકડાઉનના પગલે કોઇ પણ શાળાએ ફી ન ઉઘરાવવા સરકારે કહ્યું છે છતાં પણ આ સંકુલની અમુક શાળાઓ વાલીઓ પાસેથી યેનકેન પ્રકારે ફી ઉઘરાવવા દબાણ કરતી હોવાનું જાણવા મળ્યું હતું. વૈશ્વિક મહામારી કોરોના અને લોકડાઉનના કારણે લોકોના ધંધા-રોજગાર બંધ હતા, જેના કારણે લોકોની આવક બંધ થઇ ગઇ હતી. આવામાં મધ્યમ વર્ગીય લોકોને શાળાની ફી, લાઇટ બિલ વિગેરે ભરવામાં તકલીફ જણાતી હતી. જેના કારણે કોઇ પણ શાળાઓએ વાલીઓ પાસેથી ફી ઉઘરાવવા દબાણ ન કરવા સરકારે કહ્યું હતું, પરંતુ આ સંકુલમાં મોટા માથાઓ અને અમુક ઉદ્યોગપતિઓની મનાતી ખાનગી શાળાઓ આવેલી છે. આવી શાળાઓ સંપૂર્ણ રીતે વાલીઓની ફી ઉપર નિર્ભર રહેતી હોય છે. જેથી અમુક શાળાઓએ હવે વાલીઓ પાસેથી હળવેકથી ફી ઉઘરાવવાનું શરૂ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. અમુક શાળાઓ તમારા બાળકનું પરિણામ લઇ જાઓ તેમ કહી વાલીઓને બોલાવી કાનમાં ફીની યાદ અપાવે છે તો અમુક વાલીઓ માટે યોગા કલાસ કે અન્ય પ્રવૃત્તિ ચાલુ કરી અને બાદમાં હળવેકથી ફીની વાત કરી દેવામાં આવતી હોવાનું વાલીઓએ કહ્યું હતું. આ અંગે તાલુકા કેળવણી નિરીક્ષકનો સંપર્ક કરાતાં અમારી પાસે આવી કોઇ ફરિયાદ ન આવી હોવાનું અને આવી શાળાઓના નામ આપો તો અમે કાર્યવાહી કરીશું તેવું જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer