કંડલા એસ.ઇ.ઝેડ.માં નિકાસને બદલે અન્ય બાબતને મહત્ત્વ

ગાંધીધામ,તા. 4 : કંડલા વિશેષ આર્થિક ક્ષેત્ર (કાસેઝ)માં વિકાસ કમિશનર સહિતના અધિકારીઓ ઉપર ઉદ્યોગકારોને કનડગત, ભ્રષ્ટ નીતિરીતિ આચરવાના ગંભીર આક્ષેપ સાથે કોંગ્રેસી અગ્રણીએ એક પત્ર દ્વારા તપાસની માંગ કરી છે. પ્રદેશ કોંગ્રેસના સદસ્ય હાજી જુમા રાયમાએ કાસેઝના વિકાસ કમિશનર અમીયા ચાંદ્રાને પાઠવેલા લંબાણભર્યા પત્રમાં ઝોનની અંદર જવા-આવવા નાના અને પછાત લોકોને ગેટ પાસ ન આપવા, આવા લોકો ઉપર આક્ષેપો કરી તેમની બદનામી કરવી, તેમના બંધારણીય અધિકારો છીનવી લેવા વગેરે જેવી પ્રવૃત્તિ કરાઇ રહી છે. જે ઉદ્યોગકારોનું લીઝનું ભાડું બાકી છે તેમની નિકાસ અટકાવવા જેવા આદેશ યોગ્ય નથી. ઝોનમાં નિકાસને પ્રોત્સાહનને બદલે જાણે પ્રશાસનને ભાડું ઉઘરાવવામાં જ રસ હોય તેવું લાગે છે. જે યુનિટોમાં ઇટીપી કે એસટીપી પ્લાન્ટ ન હોય તેવા એકમોને બંધ કરવા આદેશ કરાયા છે. આમ ઝોનમાં કાર્યરત યુનિટોને જોહુકમી કરીને મુશ્કેલી સર્જવા, ભ્રષ્ટ નીતિરીતિ અખત્યાર કરવા આ પત્રમાં વિકાસ કમિશનર કચેરીને જવાબદાર ગણવામાં આવી છે. આ સમગ્ર મામલે વાણિજ્ય મંત્રાલય, સંસદ વગેરે કક્ષાએ લઇ જઇ તલસ્પર્શી તપાસની માંગ કરવા જણાવાયું છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer