ધાણેટીમાં જેસીબીની હડફેટે પરપ્રાંતીય યુવાનનું મૃત્યુ

ગાંધીધામ, તા. 4 : ભુજ તાલુકાના ધાણેટીમાં આવેલી માટીની ફેક્ટરીમાં જેસીબીની હડફેટે ચડતાં મૂળ છોટા ઉદેપુરના આતા અરજણ નાયક (ઉ.વ. 27) નામના યુવાનનું મોત થયું હતું. બીજી બાજુ અંજારના મેઘપર બોરીચીમાં ભારતીબેન રસિક પટેલ (ઉ.વ. 36)એ ઝેરી દવા પી લઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. ધાણેટી ગામમાં આવેલી કરમણ જીવા ડાંગરની સોમનાથ સુપર ક્લે નામની ફેક્ટરીમાં મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. આ ફેક્ટરીમાં આતા નાયક ભાવેશ રાઈયા વગેરે સાફસફાઈ કરી રહ્યા હતા. જ્યારે જેસીબી નંબર જીજે 12 ઈએમ 3538નો ચાલક નેવસિંઘ ભારસિંઘ રાઠવા વેરાયેલી ચાઈના ક્લે મશીનથી ભેગી કરી રહ્યો હતો તે દરમ્યાન આ ચાલકે પોતાનું મશીન પૂરઝડપે અને બેદરકારીથી રિવર્સમાં લેતાં પાછળ સાફસફાઈ કરતા આતાભાઈ નાયકને હડફેટમાં લીધો હતો. આ અકસ્માતમાં યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતાં તેને સારવાર અર્થે ભુજ ખસેડાયો હતો જ્યાં તેને વધુ સારવાર મળે તે પહેલાં આ યુવાને દમ તોડી દીધો હતો. વાહનચાલક વિરુદ્ધ રમણ શિવજી રાઈયાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.બીજીબાજુ મેઘપર બોરીચીના ભગીરથનગર મકાન નંબર 74માં રહેતા ભારતીબેન પટેલે અંતિમ પગલું ભરી લીધું હતું. ત્રણ સંતાનના માતા એવા આ મહિલાએ આજે સવારે ઝેરી દવા પી લેતાં તેમને સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં સારવાર મળે તે પહેલા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ મહિલા અને તેમના પતિ વચ્ચે મોબાઈલમાં રેકોર્ડિંગ બાબતે ઝઘડો થયો હતો. જે અંગે લાગી આવતાં મહિલાએ અંતિમ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે તેવું પોલીસે જણાવ્યું હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer