સામખિયાળીમાં કેટરર્સના ગોદામમાં ધમધમતું જુગારધામ ઝડપી લેવાયું

ગાંધીધામ, તા. 4 : ભચાઉ તાલુકાના સામખિયાળીમાં કેટરર્સના ગોદામમાંથી પોલીસે જુગારધામ ઝડપી પાડયું હતું. અહીં પત્તા ટીંચતા પાંચ શખ્સની ધરપકડ કરી રોકડ રૂા. 16,490 જપ્ત કરવામાં આવ્યા હતા.સામખિયાળી, આંબલિયારા રોડ ઉપર રમેશ પીતામ્બર ઠક્કરના જલારામ કેટરર્સના ગોદામમાં જુગારધામ ચાલુ હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે આજે ઢળતી બપોરે છાપો માર્યો હતો. જલારામ કેટરર્સના આ ગોડાઉનની અંદર આવેલી કચેરીમાં જુગાર ચાલુ હતો ત્યારે પોલીસ ત્રાટકી હતી. બહારથી ખેલીઓ બોલાવી નાલ ઉઘરાવનારા રમેશ પીતામ્બર ઠક્કર તથા બહારથી અહીં રમવા આવેલા ભાઇલાલ ભચુ કાંજાણી (દરજી), વજેરામ ભાણજી રાજગોર, સુરેશ છગનલાલ ઠક્કર અને અનિલ મોહન કોળી નામના શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા.તીનપત્તીનો હારજીતનો જુગાર રમી પોતાનું નસીબ અજમાવતા આ શખ્સો પાસેથી રોકડા રૂા. 16,490, પાંચ મોબાઇલ તથા ચાર બાઇક નંબર જી.જે. 12-સી.એન. 1042, એમ.એચ. 02, ડી.એમ. 5824, જી.જે. 12 ડી.ડી. 8189 તથા જી.જે. 12-ડી.જે. 9148 એમ કુલ રૂા. 1,41,990નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer