ભુજની લાખોની લૂંટમાં આરોપીની યોગ્ય ઓળખ ન થવાનાં તારણ સાથે જામીન

ભુજ, તા. 4 : શહેરમાં મુંદરા રોડ સ્થિત ભાનુશાલી નગર વિસ્તારમાં ગત ઓકટોબર મહિનામાં બનેલા અત્રેની વેપારી પેઢી કારિયા બ્રધર્સના સંચાલકો પાસેથી રૂા. સાડા આઠ લાખની રોકડની લૂંટના અત્યંત ચકચારી બનાવમાં આરોપીની ઓળખ તપાસનીશો દ્વારા યોગ્ય રીતે થઇ ન હોવાનું તારણ અદાલત દ્વારા આપવા સાથે પ્રકરણના એક તહોમતદાર જયંતી વરજાંગ દાફડાને જામીન આપતો આદેશ કરાયો હતો. સામાજિક માળખાંમાં અને વેપારીવર્ગમાં આ સનસનીખેજ લૂંટકેસ થકી સનસનાટી મચી હતી. તો રજૂઆતો સહિતનો દોર પણ આ મામલે અમલી બન્યો હતો. પોલીસ દ્વારા જવાબદાર મનાતા આરોપીઓને પકડયા બાદ તહોમતદારો પૈકીના ભુજની ગાંધીનગરીમાં રહેતા જયંતી દાફડા માટે જામીન અરજી મુકાઇ હતી. અત્રેના પ્રિન્સિપાલ એન્ડ સેશન્સ જજ સમક્ષ આ જામીન અરજીની સુનાવણી હાથ ધરાઇ હતી. તેમણે બન્ને પક્ષને સાંભળી આરોપીને જામીન ઉપર મુક્ત કરતો આદેશ કર્યો હતો.અદાલતે આ ચુકાદામાં એવી પણ ટિપ્પણી કરી હતી કે આરોપીની યોગ્ય ઓળખ થઇ ન હોવાનું તારણ અદાલતના ધ્યાને આવ્યું છે. આ કેસમાં આરોપીના વકીલ તરીકે સંતોષસિંહ આર. રાઠોડ અને ચિન્મય એચ. આચાર્ય રહ્યા હતા.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer