દેશી દારૂ બનાવવામાં વપરાતો એક હજાર કિલો અખાદ્ય ગોળ ઝડપી પડાયો

ભુજ, તા.4: તાલુકામાં માનકૂવા પોલીસ મથકની હદના મકનપર ગામે મિની ટેમ્પોમાં દેશી દારૂ બનાવવા માટે કામ આવે તેવો સડેલો અને અખાદ્ય ગોળનો જથ્થો લઇને જતા એક ઇસમને સ્થાનિક પોલીસે પકડી પાડયો હતો. જ્યારે અન્ય બે તહોમતદાર હાથમાં આવ્યા ન હતા. મકનપર ગામે જકરિયા પીરની દરગાહ નજીક માનકૂવા પોલીસે ગઇકાલે હાથ ધરેલી આ કાર્યવાહીમાં ભુજની આત્મારામ ચકરાવા પાસેની બકાલી કોલોની ખાતે રહેતા ઇબ્રાહીમ ઓસમાણ સમા નામના યુવાનની ધરપકડ કરાઇ હતી. તો ભુજ તાલુકાના ભખરિયા ગામના અલ્તાફ ઉમર અબડા અને ઇમ્તિયાઝ ઉમર અબડા હાથમાં આવ્યા ન હતા. પોલીસે આ ત્રણેય સામે વિધિવત ગુનો દાખલ કર્યો હતો.પોલીસ સાધનોએ આ માહિતી આપતાં વધુમાં જણાવ્યું હતું કે, પકડાયેલા આરોપી ઇબ્રાહીમના કબ્જાના જી.જે.09-એ.વી.-3521 નંબરના છોટા હાથી તરીકે ઓળખાતા મિની ટેમ્પોમાંથી રૂા. 15 હજારની કિંમતનો એક હજાર કિલો સડેલો અને અખાદ્ય ગોળનો જથ્થો કબ્જે કરાયો હતો. આ પ્રકારનો ગોળ સામાન્ય રીતે દેશી દારૂ બનાવવા માટે વપરાય છે. પોલીસે રૂા. એક લાખની કિંમતનો મિની ટેમ્પો પણ કબ્જે લીધો હતો.  આરોપીઓ સામે કોન્સ્ટેબલ કાનાભાઇ રબારીએ ગુનો દાખલ કરાવ્યા બાદ આ કેસની તપાસ સહાયક ફોજદાર ગોપાલભાઇ ખાંખલાને  અપાઇ છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer