દેશી નળિયાવાળાં મકાનો ખંડેર બન્યાં, છત સંચારતા કારીગરો બન્યા બેકાર

દેશી નળિયાવાળાં મકાનો ખંડેર બન્યાં, છત સંચારતા કારીગરો બન્યા બેકાર
ઉમર ખત્રી દ્વારા-  મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 3: પરિવર્તન એ સૃષ્ટિનો નિયમ છે. એક સમય હતો જ્યારે વૈશાખ આવતાં જ દેશી નળિયા સંચારવા કારીગરોની ખેંચ સર્જાતી, પરંતુ આજે આવાં મકાનો યા તો ખંડેર બન્યાં છે અથવા તો મોટે ભાગે પાકી સિમેન્ટની છત ધરાવતા મકાનો હોવાથી ગ્રામ્ય કારીગર વર્ગ બેરોજગારીથી બચવા અન્ય મજૂરી તરફ નાછૂટકે વળ્યો છે.એક જમાનો હતો કે, પર્યાવરણીય ચક્ર સંતુલિત રહેતું અને જેઠ મહિને વરસાદની સંભાવનાના પગલે વૈશાખમાં દેશી નળિયા સંચારવાનો ધમધમાટ જોવા મળતો હતો. આવા કારીગરોને મહિના પહેલાં જાણ કરવી પડતી હતી, પરંતુ ધરતીકંપ પછી તો નળિયાવાળાં દેશી ઢબનાં મકાનો સાવ ખંડેર બની ગયાં છે. આમ દેશી નળિયા સાથે સંચારની પ્રથા પણ લુપ્ત થઈ ગઈ છે. એક તો દેશી નળિયા સંચારવા માટે કારીગરોને દર વર્ષે બે પૈસા મળતા હતા. બીજીતરફ ભઠ્ઠામાં દેશી નળિયા પણ બનતા હતા. કારીગરોને સિઝન દરમ્યાન એક-દોઢ મહિનાની રોજી મળી રહેતી હતી. બીજીતરફ દેશી નળિયા બનાવવા માટે કમી કસબીઓ માટી ખૂંદતા પછી એને ચાકડે ચડાવી બાદમાં નળિયા ઘડતા. હવે તેની બનાવટ પર પણ પૂર્ણવિરામ મુકાયું છે. વડીલો આજે દિવસો યાદ કરતાં કહે છે કે, દેશી નળિયાની બખોલમાં પક્ષીઓ માળા બાંધતા અને સલામતી અનુભવતા. હવે  પર્યાવરણની જાળવણીનો નાશ થયો છે. તો તે વખતે બાળકો માટે નળિયા રમકડાંનું કામ કરતા હતા. ત્યારે રિમોટવાળા રમકડાંનું તો અસ્તિત્વ ન હતું. નાના બાળકો નળિયાનું ગાડું બનાવીને તેમાં માલની હેરફેર કરતા જોવા મળતા હતા. અહીં ઉલ્લેખનીય છે કે, અત્યારે માત્ર 10થી 20 ટકા મકાનો જ દેશી નળિયાનાં હોવાનું કારીગરો કહે છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer