જોરદાર પવન સાથે કચ્છમાં અમુક જગ્યાએ ઝાપટાં

જોરદાર પવન સાથે કચ્છમાં અમુક જગ્યાએ ઝાપટાં
ભુજ, તા. 3 : ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયેલું `િનસર્ગ' વાવાઝોડું કચ્છના કાંઠાઓને બચાવી ગયા સાથે કેટલાક વિસ્તારોને પલાળી ગયું હતું. ભુજ સહિત અમુક સ્થળોએ હળવા ઝાપટાંથી ઠંડક પ્રસરી હતી. જો કે ભુજમાં વિશાળ માર્ગસૂચક હોર્ડિંગ કાર પર પડતાં એકને ઈજા થઈ હતી. સદ્ભાગ્યે જાનહાનિ ટળી હતી. બીજી તરફ કેરા-બળદિયા માર્ગ પર બે વૃક્ષ પડી ગયાં હતાં.  જિલ્લા મથકે આજે બપોરે અસહ્ય ઉકળાટ સાથે એકાએક વાતાવરણ પલટાયું હતું. બપોરે ભઠ્ઠીમાં ફેરવાયેલું શહેર 3 વાગ્યે વાદળોની ગર્જનાથી ગાજી ઊઠયું હતું. પવન ફૂંકાવાની સાથે જ વરસાદી ઝાપટાં વરસ્યા હતાં. રસ્તામાં પાણી ભરાયાં હતાં, વીજળીની આવન-જાવન ચાલુ રહી હતી. બપોરે શહેરના સરપટ નાકા વિસ્તારમાં હાઈવે પરનું માર્ગસૂચક બોર્ડ પવનમાં પડતાં રસ્તે જતી કારના બોનેટનો ભાગ દબાઈ ગયો હતો અને એકને ઈજાના હેવાલ છે. દરમ્યાન ભુજ તાલુકાના માનકૂવામાં વરસાદથી રસ્તે પાણી ભરાયા હોવાના હેવાલ છે. ઉપરાંત આહીરપટ્ટીના પદ્ધર પંથકમાં વરસાદને લીધે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા, જ્યારે મિયાંણીપટ્ટીના કોટડા (ચકાર), હાજાપર, હટ્ટડી, વડવા, સણોસરા, ઝુરા, બંદર, ચકાર સહિતના ગામોમાં જોરદાર પવન ફૂંકાતાં બાગાયતી કેળા, આંબા, દાડમ પર જોખમ ઊભું થયું છે. તો કેરા-ભુજ રોડ પર બે વિશાળ વૃક્ષ ધરાશાયી થતાં આંતરિક માર્ગ એક તબક્કે બંધ થઈ ગયો છે. દેશલપર (વાંઢાય)માં પણ વરસાદથી રસ્તા પલળ્યા હોવાના હેવાલ સાંપડયા છે. રાપરમાં પાણી વહી નીકળ્યાં બીજી બાજુ રાપરમાં પણ આજે સાંજે સાડા ચાર વાગ્યા બાદ સખત ગરમી વચ્ચે જોરદાર વરસાદી ઝાપટાં વરસ્યા હતાં. વીજ કંપનીએ સમય સૂચક્તાથી વીજ પુરવઠો બંધ કર્યો હતો. પશુપાલકોએ એકત્ર કરેલો ઘાસચારો બગડયો હતો. પાવરપટ્ટીમાં જોરદાર ઝાપટાં નિરોણાથી પૂર્વે પાલનપુર, ઝુરા, લોરિયા સહિતના વિસ્તારમાં હળવા ઝાપટાંથી નેવે પાણી વહ્યાં હતાં, તો નિરોણામાં ભારે ઝાપટાંને લઈ શેરી-ગલીઓમાંથી જોશભેર પાણી વહી નીકળ્યાં હતાં. અહીંથી પશ્ચિમે બિબ્બર, ખારડિયા, વંગ, ડાડોરમાં પાણી વહી નીકળ્યાં હતાં. વંગથી મીઠુભાઈ આહીરના જણાવ્યા મુજબ અડધાથી પોણા કલાક દરમ્યાન અડધો ઈંચ જેવો વરસાદ પડયો હતો.  અહીંથી દક્ષિણે ડુંગરાળ પંથકના મેડીસર, વટાછડ, ટાંકણાસર, સુમરાસર (જત) સહિતના ગામોમાં પણ જોરદાર ઝાપટાંને લઈ પાણી પાણી થઈ ગયા હોવાનું સુમરાસર (જત)થી અબ્દુલભાઈ જતે કહ્યું હતું. કુકમામાં ભારે પવન સાથે વરસાદી ઝાપટાં પડયાં હતાં. તેને જોડતા અંજાર તાલુકાના ધમડકામાં પવનના સુસવાટા સાથે કાચા મકાનોનાં પતરા ઊડી ગયાં હતાં અને જાંબુ, કેરી, ચીકુ જેવા પાકને નુકસાની પણ થઈ હતી. અંજારમાં પણ ભારે પવન ફૂંકાવા સાથે છાંટા વરસ્યા હતા અને ભચાઉ તાલુકાના જડસા ગામે પણ વરસાદી ઝાપટાં થકી ખેતરમાં પાણી ભરાયાં હતાં. પટેલ ચોવીસીમાં વરસાદ પટેલ ચોવીસીના ગામોમાં બપોરે અસહ્ય ઉકળાટ પછી સાંજે ચાર વાગ્યે વરસાદ શરૂ થયો હતો. પૂર્વ દિશામાંથી રેતી ને વાદળ ઊમટયાં હતાં. ભારે પવનને પગલે ભારાપર-બળદિયા અને કેરા-ભુજના માર્ગ પર બે જગ્યાએ ઝાડ પડી જવાથી માર્ગ અવરોધાયો હતો. સૂરજપરથી રામજીભાઇના જણાવ્યા અનુસાર કરા પડયા હતા. વડસરથી સરપંચ પૃથ્વીરાજસિંહના જણાવ્યા અનુસાર બે ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. ગામની પાપડીમાં પાણી આવ્યાં હતાં. સામત્રાથી પૂર્વ સરપંચ જાદવજીભાઇ વરસાણીએ જણાવ્યું હતું કે, ધમાકેદાર એન્ટ્રી પછી દોઢ ઇંચ પાણી વરસી પડયું હતું. કેરાના સરપંચ દિનેશભાઇ હાલાઈના જણાવ્યા અનુસાર કેરામાં એકથી દોઢ ઇંચ વરસાદ પડયો હતો. વડજર, જુમખા, બળદિયા, નારણપર, મેઘપર, ગોડપર, દહીંસરા, સુખપર, માનકૂવા, મિરજાપરમાં ભારે પવન સાથે ઝાપટાં પડયાં હતાં. સાંજે વીજળી ડૂલ થઇ જતાં પીજીવીસીએલના કર્મચારીઓએ મોડી રાત સુધી ફરજ નિભાવી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer