ભુજના એરપોર્ટ રોડ પર દિશાસૂચક બોર્ડ વેન પર પડતાં ચાલક ઘાયલ

ભુજના એરપોર્ટ રોડ પર દિશાસૂચક બોર્ડ વેન પર પડતાં ચાલક ઘાયલ
ભુજ, તા. 3 : બપોર બાદ ભારે તોફાની ઝાપટા વચ્ચે ભુજ-ખાવડા માર્ગના 36 ક્વાર્ટર ચાર રસ્તા પાસેનો દિશાસૂચક કિ.મી. દર્શાતું બોર્ડ માર્ગ પર જતી વેન પર પડતાં ચાલકને ઇજા પહોંચતાં હોસ્પિટલ ખસેડાયો છે. જ્યારે ત્યાં જ માર્ગ પરથી પસાર થતી ભેંસો પૈકી એક ભેંસને ઈજા થઈ હતી. તેમજ બોર્ડ નીચેથી પસાર થતાં ત્રણથી ચાર લોકો બોર્ડને પડતો જોઈ રીતસર દોટ મૂકતાં તેઓનો આબાદ બચાવ થયો હતો. આ અંગેનો અનાયાસે ઉતારાયેલો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જી.કે. જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં આ ઘટનાની નોંધાયેલી એમએલસી મુજબ  લખુરાય વિસ્તારમાં રહેતા 37 વર્ષીય રફીક તૈયબ કુંભાર ખાવડાથી ભુજ મહેન્દ્ર કંપનીની વેન કાર નં. જી.જે. 12 સીપી-2588 લઇને આવી રહ્યો હતો ત્યારે 36 ક્વાર્ટર્સ ચાર રસ્તા અને કચ્છ મહિલા આશ્રમ પાસે લોખંડના એંગલવાળું તોતિંગ દિશા સૂચક-કિ.મી. દર્શાવતું બોર્ડ વેગવંતા પવનના લીધે વેન પર પડયું હતું. આથી વેનના ચાલક રફીકને છાતી અને પીઠના ભાગે મૂઢમારની ઇજા થતાં તેને જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો છે. તોફાન સાથે વરસતા ઝાપટાંનો એક શખ્સ મોબાઇલમાં વીડિયો ઉતારી રહ્યો હતો ત્યારે આ ઘટના બનતા તે શૂટ થઇ ગયું હતું. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer