પૂર્વ કચ્છના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની કમર ભાંગી ગઇ

પૂર્વ કચ્છના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની કમર ભાંગી ગઇ
મનજી બોખાણી દ્વારા-  ગાંધીધામ, તા.3 : વૈશ્વિક મહામારી કોરોના વાયરસ અને તેને પગલે થયેલા લોકડાઉનથી લગભગ તમામ ધંધા રોજગારને લાખો, કરોડોનો ફટકો પડયો છે. કોઇપણ ધંધા, ઉદ્યોગની કરોડરજ્જુ હોય છે ટ્રાન્સપોર્ટ.આ લોકડાઉનમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પણ ગૂંગળામણ અનુભવી રહ્યો છે. શ્રમિકોનું  પોતાના વતનમાં જવું, ડ્રાઇવરો વતન ચાલ્યા ગયા, ફેક્ટરીઓ બંધ રહી, માલગાડી (ટ્રેન) સેવા પણ બંધ રહી છે. તેમજ બંદરગાહો ઉપર પણ ઓછી કામગીરી તથા ઓછામાં પૂરું વાહનોના હપ્તા, વ્યાજ, વિમા, રોડ ટેક્સ, ટોલ ટેક્સ વગેરેએ આ ઉદ્યોગની કમર ભાંગી નાખી છે. આ ઉદ્યોગને બેઠો કરવા સરકારે રાહત પેકેજની જાહેરાત કરવી જોઇએ. વિકાસની પાંખ ઉપર સવાર થઇને ઉડતા કચ્છ જિલ્લાને લોકડાઉનરૂપી ગ્રહણ નડયું હતું. અને વિકાસની આગેકૂચ અટકી પડી હતી. લોકડાઉન જાહેર થયું ત્યારથી તમામ પ્રકારની  ફેક્ટરીઓ બંધ?રહી હતી. લાકડાના બેન્સા બંધ પડયા છે. લોકડાઉનના ત્રણ ચરણમાં કેમિકલ, તેલના ટાંકા પણ બંધ હતા તો કંડલાના દીનદયાળ પોર્ટ અને મુંદરાના અદાણી પોર્ટ ઉપર પણ મૂવમેન્ટ અડધાથી ઓછા શ્રમિકોથી ચલાવાતી હતી. તો વળી માલગાડી (ટ્રેન) પણ બંધ રહી હતી. જિલ્લામાં દેશના બે મુખ્ય બંદરો હોવા છતાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ગૂંગળામણ અનુભવી રહ્યો છે. લોકડાઉન પહેલા ટ્રેઇલર, ટેન્કરના ચાલકો અન્ય રાજ્યમાં ગયા હતા તે લોકડાઉન જાહેર થયા બાદ ત્યાં જ અટકી પડયા હતા. સાથો સાથ ટ્રાન્સપોર્ટરોના વાહનો પણ?ત્યાં જ થંભી ગયા હતા. લોકડાઉનમાં  50 ટકા ચાલકો પોતાના વતનમાં  ચાલ્યા ગયા હતા. શ્રમિકો વતનમાં ચાલ્યા ગયા હતા. ટ્રાન્સપોર્ટરોને આવક બંધ થઇ ગઇ હતી. આવામાં જે નાના ધંધાર્થીઓએ હપ્તાથી વાહનો ખરીદ્યા હતા તે લોનના હપ્તા કેમ ભરશે તેવી ભીતિ તેમને સતાવી રહી હતી. આવા લોકોના માથે આભ ફાટી પડયું હતું. આવી પરિસ્થિતિમાં સરકારે ત્રણ મહિના સુધી કોઇપણ બેન્કોને  વાહનોના હપ્તા ભરવાની રાહત આપવા કહ્યું નહોતું, પરંતુ આ ત્રણ મહિનાનું વ્યાજ તો ચડતું જ હતું. અહીંના ટ્રેઇલરોમાં 5થી 6 હજાર અને ટેન્કરોમાં 7થી 8 હજાર ડ્રાઇવરોની જરૂરિયાત રહેતી હોય છે. પરંતુ 50 ટકા ચાલકો વતન ચાલ્યા જતાં અને ત્યાં તેમને  ઘરબંધીમાં રખાતા અહીંના ટ્રાન્સપોર્ટરો હાથ ઉપર હાથ રાખીને  બેસી રહ્યા હતા. અગાઉ જે વાહનો ગણતરીના કલાકોમાં ખાલી થતા હતા તે શ્રમિકોના અભાવે 4-5 દિવસ સુધી ઉભા રહેતા હોય છે. લોકડાઉનના કારણે ફેક્ટરીઓ પણ બંધ હતી અને આંશિક રાહત બાદ આ ફેક્ટરીઓ ચાલુ તો થઇ પરંતુ અડધા ભાડામાં માલ ઉપાડવા આગ્રહ કરાતો હતો. અડધા ભાડામાં ટ્રાન્સપોર્ટરો માલ ઉપાડે તો ડ્રાઇવરને પગાર શું આપે અને ગાડીના હપ્તા કેમ ભરે તે પ્રશ્ન થઇ પડયો હતો. 3 મહિના સુધી બેન્કોના હપ્તા ભરવામાં રાહત આપવામાં આવી છે, પરંતુ વાહનો દોડશે નહીં તો હપ્તા કેમ ભરાશે. જો આવું થશે તો બેન્કોમાં  એનપીએની સંખ્યામાં વધારો થશે. આ ઉદ્યોગકારો એવા ટ્રાન્સપોર્ટરોને જીએસટીમાંથી મુકિત,  બેન્કની લોનમાં વ્યાજમાફી, રોડટેક્સમાં રાહત, ટોલ ટેક્સમાં મુકિત આપવામાં આવે તો વિકાસની કરોડરજ્જુ સમાન આ ઉદ્યોગને ઉગારી શકાય તેમ છે. અખિલ ગુજરાત ટ્રાન્સપોર્ટ સંગઠનના પ્રમુખ આ ઉદ્યોગકારોની સમસ્યાને કેન્દ્ર સુધી પહોંચાડે તેવું નાના ટ્રાન્સપોર્ટરો ઇચ્છી રહ્યા છે. હાલમાં લોકડાઉનનો સમય સવારે 8થી બપોરે 4 વાગ્યા સુધીનો છે. જો કોઇ વાહન 4 વાગ્યા પછી નીકળે તો પોલીસ દ્વારા પણ કનડગત કરાતી હોવાની ફરિયાદો કરવામાં આવી હતી. જિલ્લા અને રાજ્ય બહાર જતા ટ્રેઈલર અને ટેન્કરોના આ ઉદ્યોગને ઊભો કરવા માટે સરકાર કોઈ પેકેજ જાહેર કરે તે ઈચ્છનીય છે. તેમજ કંડલા, મુંદરા અને સ્થાનિકે જ ચાલતા વાહનોના માલિકોને પણ મોટી ખોટ પડી છે. આવા ટ્રક, ડમ્પરોમાં લગભગ સ્થાનિકનાં જ ચાલકો હોય છે. પરંતુ લોકડાઉન થકી વાહનોના પૈડા થંભી ગયા હોવા છતાં ચાલકોને પગાર તો ચૂકવવો જ પડતો હતો. તેમજ વીમો, ટેક્ષ, બેંકના હપ્તા પણ ચડતા જ હતા. એક વાહન પાછળ છેલ્લા ત્રણ મહિનામાં લોકોને કુલ દોઢેક લાખનું નુકસાન થયું છે. અગાઉ જે વાહનો જલ્દી ખાલી થતાં હતા તે શ્રમિકોના અભાવે પાંચ-પાંચ દિવસ સુધી પડયા રહેતા હોય છે. આ ઉદ્યોગને પુન: પાટે ચડતાં હજુ એકથી દોઢ મહિનાનો સમય લાગશે ત્યારે અન્ય ઉદ્યોગોની જેમ આ ઉદ્યોગકારોને પણ કોઈ પેકેજ અપાય તેવું આ નાના ઉદ્યોગકારો ઈચ્છી રહ્યા છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer