ભુજ-ખાવડાનાં ચાર માર્ગીય કામમાં ચાર છાંટા પડતાં જ માર્ગનું ધોવાણ

ભુજ-ખાવડાનાં ચાર માર્ગીય કામમાં ચાર છાંટા પડતાં જ માર્ગનું ધોવાણ
ભીરંડિયારા (તા. ભુજ), તા. 3 : ભુજ-ખાવડા રોડ પર ચાલતા ચાર માર્ગીય કામમાં ચાર છાંટા પડતાંની સાથે જ આખા રોડનું ધોવાણ થઇ જતાં વાહનોની કતાર લાગતાં બ્લોક થઇ ગયો હતો. ખાવડાથી ધર્મશાળા મંજૂર થયેલા આ માર્ગ પર કોન્ટ્રેક્ટર દ્વારા નિયમોની ઐસી-તૈસી કરી 10 કિલોમીટર સુધીનો મુખ્ય માર્ગ પર બંને બાજુ  પાંચથી છ ફૂટ નમકવાળી માટી નાખીને રોડનું કામ ચાલુ કર્યું. વગર આયોજને થયેલા કામને કારણે બોર્ડર અને બન્ની પચ્છમના કુલ 132 ગામોને જોડતા રોડ થકી આખો વિસ્તાર સંપર્ક વિહોણો બની ગયો છે. સરકારી અધિકારીઓની લાપરવાહી અને કોન્ટ્રેક્ટરના આયોજન વગરના કામના  કારણે આજે હજારો  લોકો પર આફત આવી પડી છે. જો કોઇ કુદરતી હોનારત કે ઘટના બને તો  બોર્ડર અને આ વિસ્તારના લોકોનું તો આવી જ બને. 1964ના બનેલા આ રોડ પર મોસમના પહેલી વખત 4 છાંટા પડતાંની સાથે જ બ્લોક થઇ ગયો છે. જેથી વાહનોની  લાંબી-લાંબી કતારો જેમાં એમ્બ્યુલન્સ અને બીમાર લોકોને લઇ જતા  માલિકીના વાહનોના ચાલકોમાં ગભરાટનું વલણ જોવા મળ્યું હતું. ચીકણી માટીને લીધે વાહન વ્યવહાર ખોરવાઇ ગયો છે. સરહદને જોડતો  આ માર્ગ હોવા છતાં આજે છેલ્લા 20 દિવસથી રોડ 5-6 ફૂટ સુધી નમકવાળી માટી નાખવામાં આવી રહી હતી ત્યારે  કેમ કોઇ સરકારે નિમિત્ત કરેલા અધિકારીએ રોડનું નિરીક્ષણ ન કર્યું તે પ્રશ્ન થાય છે. વહેલી તકે જો રાજ્ય સરકાર અને નિયુકત કરેલા  અધિકારી તાત્કાલિક કામનું નિરીક્ષણ કરે અને આવી બેદરકારી કરનાર કોન્ટ્રેક્ટરનું લાયસન્સ જ રદ કરી દેવામાં આવે તેવું રોષપૂર્વક લોકોએ જણાવી ઉમેર્યું કે, આમ થાય તો બીજી વખત આવી ભયાનક ભૂલ ન થાય. કલેક્ટર અથવા મુખ્યમંત્રીની દેખરેખ હેઠળ જો તપાસ કરવામાં આવે તો આમાં ઘણું બધું બહાર આવે તેમ હોવાનું જાગૃતો જણાવી રહ્યા છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer