ભુજના બગીચાઓની હાલત દિવસો દિવસ કફોડી

ભુજના બગીચાઓની હાલત દિવસો દિવસ કફોડી
ભુજ, તા. 3 : શહેરીજનોને સુવિધા આપવામાં ભુજ સુધરાઇ ઊણી ઉતરતી હોય તેમ પાણી, ગટર સહિતની સમસ્યા કાયમી બની છે. ઉપરાંત કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવતી હોવા છતાં પણ લોકોને હરવા-ફરવાના નવા સ્થળ વિકસાવવાં તો દૂર, પરંતુ જે હયાત બાગ-બગીચા છે તેની જાળવણી પણ નથી થતી. જેને પગલે બગીચાઓની હાલત દિન બ દિન જર્જરિત થતી જાય છે. નવાઇની વાત તો એ છે કે, છેલ્લા પાંચ-છ મહિનાથી બાગ-બગીચા સમિતિના ચેરપર્સન અન્ય ગામમાં રહેવા ચાલ્યા ગયા હોવા છતાં સુધરાઇના  સત્તાધીશોએ એ બાબતની નોંધ સુદ્ધાં લેવાનું મુનાસીબ ન સમજી અન્ય કોઇ નગરસેવકને એ જવાબદારી નથી સોંપી અને રામ ભરોસે ગાડું ગબડયે રાખે છે. ભૂતકાળના જાજરમાન બાગોની હાલની હાલત જેમાં ખેંગારબાગમાં તૂટેલા બાંકડા, ખુલ્લા જોખમી વાયરો, રાજેન્દ્રબાગમાં ઉખડેલા ઇન્ટરલોક, જર્જરિત પૂલ, વેરાન ભાસતા પુરુષોત્તમ દયાળજી પાર્કમાં એક જર્જરિત લપસણી તથા ગંદકીથી ખદબદતું શૌચાલય નિહાળી જાગૃત નાગરિકોમાં સુધરાઇનાં નબળાં નેતૃત્વ સામે રોષ ફેલાયો છે. ભુજવાસીઓને ફરવા લાયક કહી શકાય તેવા બેથી ત્રણ બાગ જ બચ્યા છે. થોડા સમય પહેલાં અમૃત યોજના હેઠળ પોણા બે કરોડથી વધારેના ખર્ચે ખેંગારબાગ, રાજેન્દ્રબાગ તથા પુરુષોત્તમ  દયાળજી પાર્કમાં સુવિધાઓ વિકસાવવા તથા મરંમત કામ કરાવવા નક્કી કરાયું.  આ અંગે એન્જિનીયર મેહુલ ગોસ્વામીનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, ખેંગારબાગ તથા રાજેન્દ્રબાગનું સ્થળ નિરીક્ષણ કરાયું હતું અને મરંમત તથા વધારાની સુવિધા સહિતના કામ તારવાયાં હતાં અને તેની મંજૂરી પ્રક્રિયા ટી.એસ.માં (ટેક્નિકલ સેક્શન) છે. જ્યારે પુરુષોત્તમ દયાળજી પાર્કનું ડીપીઆર તૈયાર કરાય છે. સંભવત: આવતા મહિને ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે તેવું ઉમેર્યું હતું.  સૂત્રોના જણાવ્યા અનુસાર ભુજ સુધરાઇમાં સત્તાપક્ષની જૂથબંધીનો ભારે પ્રભાવ વર્તાઇ રહ્યો છે. જેને પગલે લોકલક્ષી કામોને બદલે વિવાદો વધારે જોવા મળી રહ્યા છે. પદભાર સંભાળનારાઓ દ્વારા શહેરીજનોને અનેક આંબા-આંબલીઓ દેખાડાઇ હતી, પરંતુ તેમાંથી આંગળીના ટેરવે ગણી શકાય તેટલાં કામો જ થયાં છે. એક આખી સમિતિના ચેરપર્સન અને સત્તાપક્ષના નગરસેવિકા સંભવત: અમદાવાદ રહેવા ચાલ્યા ગયા હોવા છતાં તેમના સ્થાને અન્ય કોઇની નિમણૂક નથી કરાઇ. આ સુધરાઇની બલીહારી નહીં તો શું છે ? તેવો સવાલ ખોબે ખોબે મત આપી મહત્ત્વના હોદ્દાઓ પર આરૂઢ કરનારા ભુજના મતદારો પૂછી રહ્યા છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer