ભુજની ડાંડા બજાર ખાતે જલધારાની સુવિધા ખુલ્લી મુકાઇ

ભુજની ડાંડા બજાર ખાતે જલધારાની સુવિધા ખુલ્લી મુકાઇ
ભુજ, તા. 3 : શહેરના ડાંડા બજાર અને આશાપુરા રિંગ રોડ પર ભુજના માજી નગરપતિ અને રાજગોર સમાજના માજી પ્રમુખ સ્વ. રતિલાલ નારાણજી ગાંધી પરિવારના ગં. સ્વ. સરસ્વતીબેન રતિલાલ ગાંધીના આર્થિક સહયોગથી માતા સ્વ. ટમુબેન નાનજી કાનજી ગાંધીના સ્મરણાર્થે ફિલ્ટર ઠંડાં પાણીના પરબના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રવર્તમાન સંકટભરી પરિસ્થિતિમાં પણ કચ્છીઓ દાનની સરવાણી વહેવડાવવામાં ક્યારેય પાછીપાની નથી કરતા. ઉનાળાના આકરા તાપમાં આ પરબ અનેક લોકોની તરસ બુઝાવશે ત્યારે અંતરમાંથી નીકળતા આશીર્વાદ દાતા માટે મોટી ઠંડક બની રહેશે એવી લાગણી ઉદ્ઘાટનવિધિ વખતે ધારાસભ્ય નીમાબેન આચાર્ય, માજી સાંસદ પુષ્પદાન ગઢવી, નગર અધ્યક્ષા લતાબેન સોલંકી, કારોબારી ચેરમેન ભરત રાણા, ભુજ સમાજના કાર્યકારી પ્રમુખ તનસુખ જોશી, વિજય ગોર, રેવાશંકર માકાણી (દેવકૃપા), કબીર મંદિરના મહંત કિશોરદાસજી, ભગવતી મંદિરના રાજુભાઇ જોશી સહિતના ઉપસ્થિતોએ વ્યક્ત કરી હતી. એક સમયે ભુજના કોટ વિસ્તારમાં સાતેક પરબ કાર્યરત હતી, પણ સમયાંતરે બંધ થઇ ગઇ. તે પૈકીની ડાંડા બજારની પરબનો પુન: પ્રારંભ કરવા નગરસેવિકા અને ભુજ કોમ. બેંકના વાઇસ ચેરમેન ગોદાવરીબેન ઠક્કરનો વિશેષ પ્રયાસ રહ્યો હતો. પરબનું ઉદ્ઘાટન દાતા સરસ્વતીબેનના હસ્તે કરાયું હતું. આ કાર્યક્રમમાં નગરસેવિકા સુશીલાબેન આચાર્ય, અજય ગઢવી, ઘનશ્યામ ઠક્કર, ભૌમિક  વચ્છરાજાની, ફકીરમામદ કુંભાર, રસીદ ખત્રી ઉપસ્થિત રહ્યા હતા. આશાપુરા મંદિરના મહંત જનાર્દનભાઇ, વિરોધપક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ શુભેચ્છા પાઠવી હતી. વ્યવસ્થા ગાંધી પરિવારે, સંચાલન રાજેશ ગોરે કર્યું હતું. પરબ નિર્માણ કામમાં ભુજ નગરપાલિકાનો સહયોગ સાંપડયો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer