લગ્નગાળો, તહેવારો અને વેકેશન નિષ્ફળ રહેતાં વેપારીઓ મુશ્કેલીમાં

માંડવી, તા. 3 : લગ્નગાળો, રમઝાન ઈદ તથા વેકેશનમાં આવતા યાત્રિકો સહિતની ઘરાકી તદ્દન ફેલ થતાં વેપારી આલમ મહામુસીબતમાં ફસાઈ છે. માંડવી ચેમ્બર પ્રમુખ વાડીલાલ દોશી, ઉપપ્રમુખ પારસ શાહ, માનદમંત્રી નરેન્દ્ર સુરૂ, ખજાનચી ચંદ્રસેનભાઈ કોટક તથા કારોબારી સભ્યોના જણાવ્યા મુજબ વેપાર ધંધાની સિઝનમાં લગ્નગાળો તથા તહેવારો મુખ્ય હોય છે. લગ્નગાળામાં પૈસા ઉછીના લઈને પણ કાપડ, સોના-ચાંદી તથા રાશનની ખરીદી કરવી પડે છે, જે સિઝન તદ્દન ફેલ જતાં વેપારીઓના ઘરમાં મગાવેલા માલનો સ્ટોક એમ જ પડી રહ્યો છે. તો એ જથ્થાબંધ વેપારીઓને માલનું ચૂકવણું કેવી રીતે કરશે. જો ચૂકવણું નહીં થાય તો બીજી સિઝનમાં માલ કેવી રીતે આપશે તેવા સવાલો ઊભા થયા છે. રમઝાન ઈદમાં મુસ્લિમ બિરાદરોએ સાદી રીતે ઈદ ઊજવતાં ઘરાકી તદ્દન ફેલ ગઈ છે તેમજ વેકેશન દરમ્યાન મોટા નગરોમાંથી આવતા યાત્રિકો કોરોના વાયરસને કારણે બિલકુલ આવ્યા નથી, એ ઘરાકી પણ ફેલ થતાં કચ્છની વેપારી આલમ ફસાઈ ગઈ છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer