ગત વર્ષની તુલનાએ કચ્છમાં આ વખતે વૈશાખ મહિનો ઓછો તપ્યો

ભુજ, તા.3 : દેશના અનેક રાજ્યો ભીષણ ગરમી અને લૂની ઝપટમાં આવી ગયા છે. ત્યારે આ વખત કચ્છ જિલ્લાની વાત કરીએ તો ઉનાળાના ધોરી માસ ગણાતા વૈશાખ માસમાં ગત વર્ષની સાપેક્ષમાં પ્રમાણમાં ગરમીનો અનુભવ ઓછા પ્રમાણમાં થયો હોવાનું આંકડા બોલી રહ્યા છે. ભુજ અને કંડલા (એ) કેન્દ્રના બે વર્ષના આંકડાનું વિશ્લેષણ કરતા આ મહત્વની બાબત ઉભરીને સામે આવી છે. શિયાળા-ચોમાસા બાદ ઉનાળો પણ તેના નિયમ સમયથી મોડો શરૂ થયો છે. ગયા વર્ષે કંડલા (એ) કેન્દ્રમાં પારો 44.7 ડિગ્રીએ પહોંચ્યો હતો. એ જ રીતે ભુજમાં પણ પારો 44ને પાર થયો હતો. ગત વર્ષ વૈશાખ માસમાં 20 દિવસથી વધુ મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. ભુજની તુલનાએ કંડલા (એ) કેન્દ્રમાં વધુ તાપ અનુભવાઈ હોય તેમ માંડ એકાદ સપ્તાહને બાદ કરતાં મોટા ભાગે મહત્તમ પારો 40થી 43 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો. આ વર્ષની વાત કરીએ તો મે મહિનામાં એકવાર કંડલા (એ)માં 44.6 તો ભુજમાં પારો 44.2 ડિગ્રીના આંકે પહોંચી ચૂક્યો છે. આ વખતે મે એટલે કે વૈશાખ માસના લગભગ 15 દિવસ મહત્તમ પારો 40 ડિગ્રીથી ઉપર રહ્યો હતો. તેમાંય ભુજમાં તો આ સમયગાળો 10થી 12 દિવસ જેટલો રહ્યો છે. જિલ્લા મથકની સાપેક્ષમાં કંડલા (એ) કેન્દ્રમાં મહત્તમ તાપમાન દસેક દિવસને બાદ કરતાં પારો 40થી 43 ડિગ્રીની વચ્ચે ઘૂમતો રહ્યો હતો. આ વખતે વિક્રમી વરસાદ અને લાંબાગાળા સુધી ચાલેલી ઠંડી પછી ઉનાળો પણ આકરો રહેવાની ધારણા વ્યક્ત કરવામાં આવી હતી. જો કે એનાથી ઊલટું જ બન્યું હોય તેમ વૈશાખમાં ગરમીની આણ તો વર્તાઈ ગયા વર્ષની તુલનાએ ઓછા પ્રમાણમાં વર્તાઈ તેવું લોકો પણ અનુભવી રહ્યા છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer