કચ્છમાં 30મી જૂન સુધી પ્રતિબંધાત્મક હુકમો જારી

ભુજ, તા. 3 : હાલમાં સમગ્ર વિશ્વમાં નોવેલ કોરોના વાયરસ કોવિડ-19ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા મહામારી જાહેર કરાઇ હોઇ અને કચ્છ જિલ્લામાં કોવિડ-19ને અનુલક્ષીને મૂકવામાં આવેલા પ્રતિબંધોની અમલવારી તેમજ  તબક્કાવાર અનલોકને અનુલક્ષીને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તેમજ સુલેહ શાંતિ જળવાઇ રહે તે હેતુથી સાવચેતીના પગલાંના ભાગરૂપે તા. 4/6થી આગામી 30મી જૂન સુધી પ્રતિબંધાત્મક હુકમો જારી કરાયા છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કચ્છ-ભુજ કુલદીપાસિંહ ઝાલા, ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ 37 (1) અન્વયે તેમને મળેલા અધિકારની રૂએ તા. 4/6/2020થી તા. 30/6/2020 સુધી સમગ્ર કચ્છ જિલ્લામાં સક્ષમ અધિકારીની પરવાનગી વગર કોઇએ શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, બંદૂક, લાકડી, લાઠી, હજામનો અસ્ત્રો, ત્રિશૂલ, શારીરિક ઈજા પહોંચાડી શકાય તેવું કોઇ સાધન સાથે લઇ જવું નહીં. કોઇ ક્ષયકારી અથવા સ્ફોટક પદાર્થ સાથે લઇ જવું નહીં. પથ્થરો અથવા બીજા શસ્ત્રો અથવા તે શસ્ત્રો ફેંકવા અથવા નાખવાના યંત્રો અથવા સાધનો લઇ જવા, એકઠા કરવા તથા તૈયાર કરવા નહીં. વાદ્ય વગાડવા નહીં, ચિત્રો, નિશાનીઓ, જાહેરખબરો અથવા બીજા કોઇ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવાથી, દેખાડવાથી અથવા તેનો ફેલાવો કરવાથી અરુચિ અથવા નીતિનો ભંગ થતો હોય અથવા જેનાથી રાજ્યની સલામતી જોખમાતી હોય તેવા છટાદાર ભાષણ આપવાની, તે ચાળા વિગેરે કરવા અથવા તે ચિત્રો, નિશાનીઓ વગેરે તૈયાર કરવા, દેખાડવા અથવા તેનો ફેલાવો કરવો નહીં. આ હુકમ સરકારી નોકરી પર કામ કરતી વ્યકિત એટલે કે તેના ઉપરી અધિકારીએ ફરમાવ્યો હોય અથવા કોઇ હથિયાર લઇ જવાની ફરજ હોય એ અથવા અધિકૃત કરેલા કોઇપણ પોલીસ અધિકારીએ જેની અશકિતના કારણે લાકડી અથવા લાઠી લઇ જવાની પરવાનગી આપી હોય તેવી વ્યકિતઓ તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટ, પોલીસ અધિકારીએ અથવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા સબડિવિઝનલ મેજિસ્ટ્રેટએ અધિકૃત કરેલી હોય તેવી બીજી કોઇ વ્યકિતઓને લાગુ પડશે નહીં. આ હુકમનો સમગ્ર કચ્છ જિલ્લામાં અમલ કરવાનો રહેશે. કોઇપણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને ઓછામાં ઓછી ચાર માસની અને વધુમાં વધુ એક વર્ષની કેદની સજા થશે. આ ઉપરાંત ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 135(1) મુજબ દંડની સજા થશે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer