એસ.ટી.ની કાગડોળે રાહ જોતા ગામડાંના મુસાફરો

ભુજ, તા. 3 : કોરોના મહામારીનાં કારણે ગત માર્ચ માસથી બંધ પડેલી એસ.ટી. બસ સેવાની દૂરદૂરના ગામડાંના લોકો કાગડોળે રાહ જોઇ રહ્યા છે. જો કે, સરકારની ગાઇડ લાઇન મુજબ ડેપો સિવાય બસોને સેનિટાઇઝ કરવાની વ્યવસ્થા ન હોવાથી ગામડાંના આ વંચિત પ્રવાસીઓ મોંઘાદાટ ભાડાં સાથે ખાનગી વાહનોનો સહારો લઇ રહ્યા છે. પહેલી જૂનથી રાજ્ય સરકાર દ્વારા અનલોક-1માં અનેક છૂટછાટો જાહેર કરાઇ છે ત્યારે સરહદી જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં એસ.ટી. તંત્ર અને આરોગ્ય તંત્ર મળીને બસોને સેનિટાઇઝ કરવાની વ્યવસ્થા ગોઠવે તો ભુજ તાલુકાના બન્ની-ખાવડા, લખપત તાલુકાના માતાના મઢ, દયાપર, નારાયણ સરોવર, રાપરના ખડી વિસ્તાર અને ભચાઉ તાલુકાના દૂર દૂરના ગામડાંના લોકોને એસ.ટી. બસનો લાભ મળી શકે. આવા ગામડાઓના લોકોને વાહનવ્યવહાર માટે એકમાત્ર એસ.ટી. બસનો જ આધાર હોવાથી જિલ્લાના વહીવટી તંત્રે પણ જાહેરનામામાં છૂટછાટો આપવી જોઇએ તેમ ગ્રામ પંચાયતો સાથે સંકલન સાધી પ્રવાસીઓનું ક્રીનિંગ, બસને સેનિટાઇઝ કરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જેવા પગલાં ભરી બસ સેવા શરૂ કરવી જોઇએ તેવો મત પ્રવાસીઓ વ્યક્ત કરી રહ્યા છે. હાલ સરકારની માર્ગદર્શિકા મુજબ જિલ્લામાં માત્ર ડેપો ટુ ડેપો એટલે કે કચ્છમાં ભુજ, અંજાર, માંડવી, મુંદરા, નખત્રાણા, અબડાસા, ભચાઉ અને રાપર કક્ષાએ જ બસ દોડાવાય છે, જેમાં વચ્ચે આવતા ગામડાના લોકોને પણ લેવાની મનાઇ છે. જેથી ગામડાના લોકોને ખાનગી વાહનોમાં મોંઘા ભાડાં ખર્ચી જિલ્લાકક્ષાએ અથવા તાલુકાકક્ષાએ જવું પડે છે. લોકડાઉન અગાઉ કચ્છમાં આંતરરાજ્ય, આંતર જિલ્લા અને લોકલ સહિત દરરોજના 160 જેટલા શિડયૂલ દોડતા હતા. આ અંગે વિભાગીય નિયામક સી. ડી. મહાજનનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, હાલ સરકારની માર્ગદર્શિકા સિવાય કોઇ વધારાના શિડયૂલ શરૂ કરાયા નથી. હાલ કચ્છ વિભાગ દ્વારા કુલ્લ 107 શિડયૂલ ચાલુ છે, જેમાં 60 એક્સપ્રેસ અને 47 લોકલનો સમાવેશ થાય છે. એસ.ટી. તંત્રને લોકડાઉન પહેલાં દરરોજની અંદાજે 28થી 30 લાખની આવક થતી હતી. હાલ રૂા. 3.50થી 4 લાખની આવક થઇ રહી છે. એટલે કે હાલ 10 ટકા જેટલી આવક થાય છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer