`ચોથે પાણી અદકેરું...'' રોહિણી રેલાતાં શુકનવંતા એંધાણ

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 3 : વર્તમાનમાં ચાલતા ચોમાસા પૂર્વેના ચૌદ દિવસીય રોહિણી નક્ષત્રના ચોથા ચરણમાં  કુદરતની ગતિવિધિને તળપદી ભાષામાં રોહિણી રેલાઈ એમ કહેવાય છે. તા. 25થી શરૂ થયેલા આ નક્ષત્રના આજે ચોથા ચરણમાં પ્રવેશતા `ચોથે પાણી અદકેરું' મુજબ આજના વરસાદથી આગામી ચોમાસામાં ધોધમારનો શકનવંતો વર્તારો ગણવામાં આવે છે. ભડલી વાકય પ્રમાણે `પહેલું પદ પાણી હરે', `બીજે બૈંતેરે', `ત્રીજે પદ તૃણ હરે', `ચોથે પાણી અદકેરું' અર્થાત તા. 25મી મેથી 6ઠ્ઠી જૂન સુધીના ચૌદ દિવસીય નક્ષત્રના ચાર વિભાગ પાડતાં આજથી ચોથાપદમાં પ્રવેશેલા નક્ષત્રમાં વરસાદ થતાં કચ્છમાં આ વરસે પણ શ્રીકાર વરસાદ થવાના શુકનવંતા એંધાણ વર્તાતાં આનંદની લાગણી ફેલાઈ છે. પહેલે પદ પાણી હરે અર્થાત તા. 25 મેથી 28 સુધી વરસાદ થાય તો વરસાદની અછત વર્તાય. તા. 28થી 31 મે સુધી વરસાદ થાય તો  (બીજે બૌંતેરે) બરાબર 72 દિવસ સુધી વરસાદ ન થાય, ત્રીજે પદ વરસે તો તૃણ હરે, તા. 31થી ત્રીજી જૂન સવાર સુધી વરસાદ થાય તો તૃણ (ઘાસ) ન થાય, તો 3 જૂનથી 6ઠ્ઠી જૂન  ચોથા પદમાં વરસાદ કે છાંટા પડે તો ચોથે પાણી અદકેરું... આજે રોહિણી નક્ષત્રના ચોથા પદના આરંભે કુદરતની ગતિવિધિથી આ વરસે પણ સારા વરસાદના એંધાણ ગણવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વરસે રોહિણી નક્ષત્રના ચોથા ચરણમાં થયેલા વરસાદથી ધોધમાર વરસાદ થયો હતો.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer