કચ્છમાં અત્યાર સુધી 1732 મેટ્રિક ટન ઘઉં ટેકાના ભાવે ખરીદાયા

ભુજ, તા.3 : રાજ્ય સરકારે ખેડૂતોને તેમની પેદાશના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે અલગ-અલગ પેદાશોની ટેકાના ભાવે ખરીદી કરવાની શરૂઆત કરી છે, ત્યારે જિલ્લામાં અત્યાર સુધી 1732 ટન ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. હાલે વરસાદી માહોલના પગલે તકેદારીના ભાગરૂપ 6 જૂન સુધી ખરીદીની પ્રક્રિયા મોકૂફ રાખી દેવામાં આવી છે. સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળેલી વિગતો અનુસાર માંડવી અને નલિયા એમ બે કેન્દ્રો ખાતે ટેકાના ભાવે ખરીદીનો ધમધમાટ હાથ ધરાયા બાદ માંડવીમાં 836 અને નલિયામાં 610 મળી 1446 ખેડૂતોએ નોંધણી કરાવી હતી. તે પૈકી માંડવીમાં 351 ખેડૂતોએ 981 ટન તો નલિયામાં 253 ખેડૂતોએ 751 ટન મળી અત્યાર સુધી 604 ખેડુતો દ્વારા 1732 મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરવામાં આવી છે. હજુ સુધી જિલ્લામાં કુલ નોંધણી કરાવેલા ખેડૂતો પૈકી 42 ટકાએ જ ઘઉં ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કર્યું છે. હાલની સ્થિતિએ 58 ટકા એટલે કે અડધાથી પણ વધુ ખેડૂતોએ નોંધણી તો કરાવી હજુ પેદાશ વેચાણ માટે મૂકી નથી.દરમિયાન વાવાઝોડાંની અસરના પગલે છવાયેલા વરસાદી માહોલના કારણે તકેદારીના ભાગરૂપે 6 જૂન સુધી ખરીદી પ્રક્રિયા સ્થગિત કરી દેવાઈ છે. હવે 7 જૂનથી ફરી એકવાર ખરીદીની પ્રક્રિયાનો દોર આરંભી  દેવાશે તેવું જણાવાયું  છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer