ગાંધીધામના રેશનકાર્ડધારકોને અનાજ ન મળતું હોવાની રાવ

ગાંધીધામ, તા. 3 : અહીંના શહેરી વિસ્તારમાં સસ્તા અનાજના દુકાનધારકો દ્વારા કાર્ડધારકોને અનાજનો જથ્થો આપવામાં આવતો ન હોવાનો આક્ષેપ શહેર કોંગ્રેસ સમિતિએ કર્યો હતે. ગાંધીધામ શહેર કોંગ્રેસે સમિતિના મંત્રી જગદીશભાઈ ગઢવીએ  એક યાદીમાં કહ્યું હતું કે  કોરોના મહામારીને કારણે રાજ્ય સરકાર દ્વારા બી.પી.એલ, એન.એફ.એસ. તથા અન્ય  રાશનકાર્ડધારકોને  રાશન આપવાની જાહેરાત કરાઈ હતી. અલબત્ત સસ્તા અનાજની દુકાનદારો દ્વારા  તમારા ઓનલાઈન ડેટા ફેઈલ થઈ ગયા છે, તમારું રાશનકાર્ડ રદ થઈ ગયું છે સહિતના જુદા-જુદા બહાના તળે  અનાજનો જથ્થો આપવામાં આવતો નથી તેવો આક્ષેપ તેમણે કર્યો હતે. આ સ્થિતિમાં ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને પોતાનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બને છે. દુકાનદારો  પાસે  અનાજનો પૂરતો જથ્થો હોવા છતાં  કાર્ડધારકોને લાભ અપાતો નથી. કેટલાક લોકોને ઘઉં અને ચોખા અપાય છે. ખાંડ અને દાળનું  વિતરણ કરાયું નથી. આ મુદ્દે ઓચિંતિ તપાસ કરવામાં આવે તો ભષ્ટાચાર બહાર આવશે તેવું તેમણે કહ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer