કચ્છમાં ત્રણ જણના અકાળે થયેલાં મોત

ગાંધીધામ, તા. 3 : આદિપુર-અંજાર વચ્ચે શનિદેવ મંદિર પાછળ નર્મદા કેનાલમાં ડૂબી જતાં પ્રકાશ બાબુ કોળી (ઉ.વ. 17) નામના કિશોરનું મોત થયું હતું. બીજીબાજુ ગાંધીધામમાં ધતુરો ખાઇ જતાં વિષ્ણુ મંગા દેવીપૂજક (ઉ.વ. 18) નામના યુવાને જીવ ખોયો હતો. તેમજ અબડાસાના નાની વમોટીમાં એસિડ પી જતાં મમતાબા મેઘરાજજી જાડેજા (ઉં.વ.22) નામની યુવતીએ સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો.આદિપુર અને અંજાર વચ્ચે શનિદેવ મંદિર પાછળ આજે બપોરે 2.30ના અરસામાં અપમૃત્યુનો બનાવ બન્યો હતો. અહીં રહેનારો પ્રકાશ નામનો કિશોર બપોરે અહીંથી પસાર થતી નર્મદા કેનાલમાં પડયો હતો. આ કેનાલમાં રહેલાં પાણીમાં ડૂબી જતાં તેનું મોત થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું. બીજી બાજુ ગાંધીધામનાં રેલવે મથક નજીક મેલડી માતાના મંદિર પાસે અપમૃત્યુનો બનાવ બન્યો હતો. અહીં ઝૂંપડી વાળીને રહેનારો વિષ્ણુ નામનો યુવાન પોતાના ઘરે ધતુરો ખાઇ ગયો હતો. તેને પ્રથમ અહીં ખાનગી હોસ્પિટલમાં તથા વધુ સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન આ યુવાને છેલ્લા શ્વાસ લીધા હતા. તેણે કેવા કારણોસર આ પગલું ભર્યું હતું તે પોલીસની તપાસમાં હજુ બહાર આવ્યું નથી. વધુ એક અપમૃત્યુનો બનાવ નાની વમોટીમાં બન્યો  હતો. અહીં રહેનારી મમતાબા નામની યુવતીએ ગઇકાલે સાંજે એસિડ પી લીધું હતું. તેને વધુ સારવાર માટે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લઇ અવાઇ હતી.  જ્યાં સારવાર દરમ્યાન મોડી રાત્રે આ યુવતીએ છેલ્લા શ્વાસ લીધા હતા. તેને પેટમાં દુ:ખાવો ઉપડતાં આ હતભાગી યુવતી પોતે દવાને બદલે ભૂલથી એસિડ પી ગઇ હોવાનું પોલીસને લખાવ્યું હતું. આ ત્રણેય બનાવોમાં આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer