બિદડાના મંજૂરી વગર બાંધકામ કેસમાં 21 લાખ દંડ સાથે થયેલું ચણતર દૂર કરવા માટે આદેશ

ભુજ, તા. 3 : માંડવી તાલુકાના બિદડા ગામે ખેતીલાયક જમીન ઉપર મંજૂરી વગર બાંધકામ કરવાના કિસ્સામાં મુંદરા પ્રાંત અધિકારીએ 21 લાખના દંડ સાથે થયેલું બાંધકામ દૂર કરવા આદેશ કર્યો હતો. બિદડા કડવા પાટીદાર સમાજના વહીવટકર્તા મેઘજી લાલજી પટેલ અને ધનજી પૂંજા પટેલ દ્વારા આ જમીન ખરીદાઇ હતી અને હેતુફેર કરાવ્યા વગર મંદિર સહિતના વિવિધ સંકુલો બનાવાયા હતા. જેની સામે નવીન રવિલાલ નાકરાણી દ્વારા વાંધા સાથે રજૂઆતો થતાં આ સમગ્ર પ્રકરણ ઉભું થયું હતું. જેમાં હાઇકોર્ટની માર્ગદર્શિકા મુજબ શરતભંગની કાર્યવાહી કરવાની પણ પ્રાંત અધિકારીને સૂચના અપાઇ હતી.આ અંગેનો કેસ મુંદરા પ્રાંત અધિકારી સમક્ષ ચાલી જતાં તેમણે બન્ને પક્ષને સાંભળી પરવાનગી વગર અને બિનખેતી કરાવ્યા વગર જમીન ઉપર કરાયેલા બાંધકામને દૂર કરવાનો અને આ મામલે રૂા. 21 લાખ સાતસો સાઇઠનો દંડ કરતો ચુકાદો આપ્યો હતો. આ કેસમાં અરજદારના વકીલ તરીકે પુપુલ એસ. સંઘાર રહ્યા હતા.શિરવા ખૂનકેસમાં જામીન- : માંડવી તાલુકાના શિરવા ગામે ઘેટાંબકરાના વાડા બાબતની તકરારમાં ગુલામભાઇ શિરૂની હત્યા થવાના કિસ્સામાં આરોપીઓ પૈકીના મામદ હાજીજાકબ પઢિયારને જિલ્લા અદાલતે જામીન આપ્યા હતા. કેસના ચાર્જશીટ પહેલા જામીન આપતો આ ચુકાદો અપાયો હતો. આ કેસમાં આરોપીના વકીલ તરીકે એમ.આઇ. પઠાણ રહ્યા હતા.  બળદિયા લૂંટના કેસમાં જામીન : ભુજ તાલુકાના બળદિયા ગામે માર્ચ-2020માં એચ.ડી.એફ.સી. બેન્કના એ.ટી.એમ. ખાતે લૂંટના બનેલા બનાવમાં મુખ્ય આરોપી યુસુફ સુલેમાન મમણ અને યાકુબ સુલેમાન મમણને રાજયની હાઇકોર્ટ દ્વારા વીડિયો કોન્ફરન્સ માધ્યમથી થયેલી સુનાવણી બાદ જામીન અપાયા હતા. આ કેસમાં આરોપીના વકીલ તરીકે આશીફઅલી એ. અન્સારી, એ.આઇ.કુરેશી અને એ.એ. જાંબુવાલા રહ્યા હતા. ભારાપર કેસમાં અપીલ નામંજૂર :ભુજ તાલુકાના ભારાપર ગામે ગામના સારુબેન આતુ કોળી દ્વારા મિલ્કતના કેસમાં કરાયેલી અપીલ મદદનીશ કલેકટર ભુજની કોર્ટએ નામંજૂર કરતો ચુકાદો આપ્યો હતો. આ મિલ્કત બાબતે પડાયેલી નોંધો અને દસ્તાવેજ રદબાતલ કરવા સહિતની માગણી અપીલમાં કરાઇ હતી. જેને ગ્રાહ્ય રખાઇ ન હતી. આ કેસમાં પ્રતિવાદી હીરજી કાનજી પટેલ (બળદિયા) વતી વકીલ તરીકે પંકજ એચ. વૈશ્નવ રહ્યા હતા.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer