વરસામેડીના યુવાન સાથે કંપનીના ભાગીદાર પિતા-પુત્રે કરી ઠગાઈ

ગાંધીધામ, તા. 3 : અંજાર તાલુકાના વરસામેડીમાં આવેલા બાગેશ્રી પાલ્સમાં રહેતા એક યુવાન સાથે તેની કંપનીના ભાગીદારોએ દગો કરતાં અને બેંકમાંથી ઉપાડી લીધેલા પૈસા પરત ન આપતાં આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. વરસામેડીની બાગેશ્રી પાલ્સમાં રહેતા મોહમદ શીનાન (એન.કે.) મોહંમદ રફીક ઈસ્લામે બાગેશ્રી-6માં રહેતા શરત મહેશ્વરન અને મહેશ્વરન ગોપાલન વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ધંધો કરવાના ઈરાદાથી અહીં આવેલા આ ફરિયાદી યુવાનની ઓળખાણ મહેશ્વરન ગોપાલન સાથે થઈ હતી. આ શખ્સ શિપ ચેન્ડલરના ધંધાનો અનુભવી હોવાથી આ બંનેએ ભાગીદારીમાં ધંધો શરૂ કરવા નક્કી કર્યું હતું. ધંધો શરૂ કરવા પરવાના વગેરેની જરૂરિયાત હોવાથી તથા આ ફરિયાદી એન.આર.આઈ. હોવાથી તેની પાસે જરૂરી પૂરતા દસ્તાવેજ નહોતા. આ પરવાનો શરત મહેશ્વરનના નામે લેવાયો હતો. આ લોકોએ ગાંધીધામની વિજયા બેંકમાં સંયુક્ત ખાતું ખોલાવ્યું હતું.  બાદમાં આ આરોપી એવા પિતા-પુત્રએ ફરિયાદીની સહી બેંકમાંથી કઢાવી નાખી હતી અને ધંધામાં થતી આવક પોતે ઉપાડી લેતા હતા. આ અંગે ફરિયાદીને ખબર પડતાં તેણે પૈસાની ઉઘરાણી કરી હતી, પરંતુ આ શખ્સોએ ફરિયાદીને ધાકધમકી આપી પૈસા ભૂલી જવાનું કહ્યું હતું. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer