કચ્છથી કેરળ એક વિશેષ ટ્રેન દોડાવવા કોંગ્રેસની માંગ

ગાંધીધામ, તા.3 : ભારતીય રેલવે દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી છે ત્યારે આ શ્રેણીમાં કચ્છથી કેરાલાની એક ટ્રેન દોડાવવા જિલ્લા કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.જિલ્લા કોંગ્રેસના મંત્રી ગોવિંદ દનીચાના જણાવ્યા પ્રમાણે રેલવે પ્રશાસન દ્વારા ચલાવાતી સ્પેશિયલ ટ્રેનોનું બૂકિંગ ખૂલતાંની સાથે જ ચાર લાખથી વધુ ટિકિટોનું બૂકિંગ થયું હતું. લોકડાઉનના કારણે દેશના જુદા જુદા વિસ્તારોમાં લોકો ફસાયેલા છે. સ્પેશિયલ ટ્રેનની શ્રેણીમાં ગુજરાતથી કેરાલાની એક પણ ટ્રેનની જાહેરાત  ન થતાં કેરાલા, તામિલનાડુ જવા માટે ઉત્સુક  પ્રવાસીઓમાં નિરાશા વ્યાપી છે.   લોકડાઉનના કારણે કેરાલાના અનેક લોકો વ્યવસાયિક અને સામાજિક કામ માટે આવ્યા છે. ગાંધીધામ ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત, વાપી અને ગુજરાતના અન્ય વિસ્તારમાં ફસાયેલા છે. લોકડાઉનની સમય મર્યાદામાં વધારો થવાથી કેરાલામાં તેમના પરિવારજનો ચિંતિત બન્યા છે. તદ્ઉપરાંત અટવાયેલા લોકો પાસે પૈસાની અછત હોવાના કારણે વહેલી તકે વતન વાપસી થાય તેવું ઈચ્છી રહ્યા છે. આ માટે એક અથવા બે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવે તેવી  રજૂઆત કરાઈ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer