ગાંધીધામના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ; કલાકોમાં જ મૃત્યુ

ગાંધીધામના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ; કલાકોમાં જ મૃત્યુ
ભુજ/ગાંધીધામ, તા. 2 : તાજેતરમાં મુંબઈથી આવેલા ગાંધીધામના કોરોનાગ્રસ્ત યુવાનને રજા આપ્યા બાદ  ગાંધીધામ કોરોનામુકત બન્યું હતું. પરંતુ આજે સુરતથી આવેલા  શહેરના સેકટર પાંચ વિસ્તારમાં રહેતા વૃદ્ધ સંક્રમિત હોવાનું બહાર આવ્યું હતું. તેને આદિપુરની હોસ્પિટલમાંથી ભુજ રિફર કરવા દરમ્યાન તેનું મોત થતાં કચ્છમાં કોરોના થકી ચોથું મોત થયું છે. દર્દીના સીધા સંપર્કમાં આવેલા લોકોને એકાંતવાસમાં લઈ જવાની કાર્યવાહી તાલુકા આરોગ્ય તંત્ર દ્વારા આદરવામાં આવી છે. દરમ્યાન આદિપુરની હોસ્પિટલમાંથી દર્દી ગંભીર સ્થિતિમાં  હોવા છતાં ભુજ રિફર કરાવાયા એ મામલે જી.કે. કોવિડ સંકુલમાં મોડી રાત સુધી માથાકૂટ ચાલી હતી. એક તબક્કે ફરજ પરના  તબીબે દર્દીનું રસ્તામાં મૃત્યુ થયું હોવાથી પોસ્ટમોર્ટમ કરવાનો આગ્રહ રાખ્યો હતો. જો કે, મૃત્યુનું કારણ કોરોના જ હોવાથી ભારે સમજાવટને અંતે અંતિમ ક્રિયાની કાર્યવાહી હાથ ધરાઇ?હતી. મરનાર દક્ષિણ ભારતીય ખ્રિસ્તી હોવાથી ખ્રિસ્તી સમાજના ભુજના અગ્રણીઓને બોલાવીને  પદ્ધતિસર રીતે અને પૂરી તકેદારી સાથે અંતિમવિધિની તૈયારી તંત્રએ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. આ અંગે આરોગ્ય વિભાગના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ સુરત રહેતા  69 વર્ષીય સંક્રમિત દર્દીના પત્નીનું સુરતમાં અવસાન થતાં અંતિમવિધિ કરવા માટે પત્નીના મૃતદેહને સેકટર પાંચમાં રહેતા પુત્રોના ઘરે લાવ્યા હતા. અંતિમવિધિ પતી ગયા બાદ છેલ્લા ત્રણેક દિવસોથી  તેમની તબિયત સારી  રહેતી ન  હતી. જેથી તેમણે પ્રથમ દીનદયાલ પોર્ટની હોસ્પિટલમાં અને બાદમાં હરિઓમ હોસ્પિટલમાં બતાવ્યું હતું. હરિઓમમાં બીજી વખત આવ્યા બાદ ગઈકાલે સાંજે તેમનું સેમ્પલ લેવાયું હતું. જે રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો હતો.  દરમ્યાન ગઇકાલે તેમને વેન્ટિલેટર પર રખાયા હતા. આજે તબિયત વધુ લથડતાં તેમને ભુજ ખસેડાય તે પહેલાં રસ્તામાં મોત થયું હતું તેવું ડી.ડી.ઓ. પ્રભવ જોશીએ જણાવ્યું હતું. રિપોર્ટ પોઝિટિવ હોવાની જાણ થતા તાલુકા આરોગ્ય અધિકારી ડો. દિનેશ સુતરીયા અને તેમની  ટીમ સેકટર  પાંચમાં ધસી ગઈ હતી. તેમના ઘરમાં જ રહેલા 20 જેટલા લોકોને લીલાશાહ કુટિયા ખાતે સંસ્થાકીય કવોરેન્ટાઈન કરવાની કાર્યવાહી આદરી હતી. અત્યાર સુધી પૂર્વ કચ્છમાં બહાર આવેલા તમામ  કેસમાં એક પણ દર્દીને  કોઈ લક્ષણો જણાયાં ન હતાં.  જો કે આજે બહાર આવેલા કેસમાં કોરોનાના લક્ષણો જણાયાં છે. તેમને સારવાર માટે ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું  જાણવા મળ્યું હતું.  આ દર્દીના સંપર્કમાં આવેલા કુલ 32 લોકોને કવોરેન્ટાઈન કરાયા છે. તેમાં રામબાગ હોસ્પિટલના એક તબીબને હોમ કવોરેન્ટાઈન કરાયા હોવાનું જાણવા મળ્યું છે.  સેકટર પાંચમાં દર્દીના રહેણાંક આસપાસના વિસ્તારને સીલ કરી  દેવાયો હતો. અહીં ઉલ્લેખનીય છે કે, હાલમાં મૃતકનો એક પુત્ર ભુજ ખાતે જ છે. અને ભુજમાંજ તેમની અંતિમવિધિ પ્રોટોકોલ પ્રમાણે  કરાશે. હતભાગી આધેડ સુરતના હાઈરિસ્ક ગણાતા લીંબાયત વિસ્તારમાં રહેતા હતાં અને ત્યાં જ તેમને ચેપ લાગ્યો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.  ત્રણ દિવસ પૂર્વે માતાના અવસાન બાદ આ પરિવારના પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. તેમની પત્નીની સ્મશાનયાત્રામાં જોડાયેલા ડાઘુઓની યાદી તૈયાર કરવાની કાર્યવાહી  હાથ ધરાઈ છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer