રાજકીય ઇચ્છાશક્તિ નથી તો એને જગાડીએ એક થઇને...

રાજકીય ઇચ્છાશક્તિ નથી તો એને જગાડીએ એક થઇને...
ભુજ, તા. 2 : નર્મદા નહેર અને કચ્છને ફાળવાયેલા વધારાનાં પાણીના કામો મુદે્ રાજ્ય સરકારની ઇચ્છા શક્તિ નથી એવા શબ્દો સાથે પૂર્વ રાજ્ય મંત્રી તારાચંદભાઇ છેડાએ વડાપ્રધાનને સીધો પત્ર લખીને કચ્છની સમસ્યાના ઉકેલાર્થે દરમ્યાનગીરી માગી એ વિષયે કચ્છનું રાજકારણ તો ગરમાયું જ છે, સાથો સાથ જિલ્લાના અલગ અલગ તાલુકાઓના જાગૃત બૌદ્ધિક નાગરિકોમાં પણ પડઘા પડી રહ્યા છે. આજે દાયકાઓથી કચ્છ નર્મદાની રાહ જોઇ રહ્યું છે અને કચ્છની નજર સામે જ સૌરાષ્ટ્રભરમાં `સૌની યોજના' વહેતી થઇ ગઇ, ઉત્તર ગુજરાતમાં નહેર વહેવા મંડી અને સરહદી કચ્છના નસીબ જુઓ કે નિર્ધારિત એક માત્ર નહેર પણ એના મોડકૂબા સુધીના ગંતવ્ય સ્થાને પહોંચી નથી. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે નર્મદાના કામો ઝડપી બન્યા, આનંદીબેન પટેલના કાર્યકાળમાં વાગડ સુધી સિંચાઈના નીર પહોંચ્યા હવે કચ્છ પ્રત્યે શુભનિષ્ઠા ધરાવતાં વિજયભાઈ રૂપાણીએ બાકીની અધૂરાશ પૂરી કરે એવાં સૂચન ઉઠયા છે. 182 ધારાસભ્યોની ગુજરાત વિધાનસભામાં માત્ર છ જ સંખ્યા બળ ધરાવતાં કચ્છનું કેટલું વજન છે એ પણ નર્મદા નહેર અને વધારાના પાણીના આયોજન મુદે્ દીવા જેવું સાફ દેખાય છે... રાજકીય કાવાદાવા, કોર્ટ કેસ થકી વિલંબમાં પડેલી મા રેવા જો હવે કચ્છ જાગશે નહીં તો ખરેખર કયાંક અન્ય રહી જશે... જિલ્લાના વિવિધ ક્ષેત્રના લોકો આ મુદે્ શું કહે છે તે અહીં સમાવાયું છે. સહિયારા પ્રયાસ જલ્દી જોઇએ લોહાણા સમાજના અગ્રણી અને ભુજ નૂતન સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી શશિકાંત ઠક્કરે વાદવિસાદને એકબાજુ રાખી જવાબદાર રાજકીય આગેવાનો તંત્ર સાથે સંકલન કરી જેમ બને તેમ જલ્દી નર્મદાના પાણી નહેર વાટે વહેતા તેવાં પ્રયત્નો કરવાં જોઇએ. તેવું માને છે. સરકાર ધારે તો જમીન સંપાદનના કામમાં પણ ઝડપ લાવી શકે, કચ્છના પાટનગરનો પાણીપ્રશ્ન હલ કરવો હશે તો નહેર વાટે પાણી લાવીને કચ્છનો સૌથી મોટો રૂદ્રમાતા ડેમ ભરાવવાથી સમાધાન શકય છે, સૌરાષ્ટ્ર અને  ઉત્તર ગુજરાતને  જેટલો લાભ મળે છે તેટલો કચ્છને નથી મળતો. સહિયારી ઇચ્છાશક્તિ ધરાવનાર તમામ કચ્છીઓ એક જૂથ થઇને એ દિશામાં કામ કરશે તો સફળતા સો ટકા મળશે. પશ્ચિમ કચ્છ માટે પાણી જરૂરી નર્મદાના પાણીપ્રશ્ને ભા.જ.પ.ની સરકારે કચ્છ માટે ઘણું કર્યું છે એ માટે આભાર પણ હજી ઘણું કરવાનું બાકી છે. અબડાસા લખપત અને નખત્રાણા વિસ્તારને નર્મદાના પાણી પહોંચડવાં જરૂરી છે. આ વિસ્તાર માત્ર પશુપાલન અને ખેતી આધારીત છે. સરહદી વિસ્તાર છે દેશની સુરક્ષા માટે લોકોને અહીં ટકાવી રાખવા પાણી જરૂરી છે અને વિકલ્પ માત્ર નર્મદાનું પાણી છે તેવું માતાના મઢ ગ્રામ પંચાયતના સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજા કહે છે. ગુજરાત-સૌરાષ્ટ્રમાંથી ધડો લઇએ કચ્છની કમનશીબી છે કે નર્મદાના પાણી કચ્છમાં પહોંચાડવાનો દાવો સરકાર સતત કરે છે, વાગડ સુધી પહોંચેલી નહેરમાં પણ પાણી પૂરતા આવતાં નથી અને મોડકુબા સુધી નર્મદાના પાણી માટેની સિંચાઇ નહેરનું કામ ધીમી ગતિથી ચાલે છે. કચ્છમાં બ્રાન્ચ કેનાલના કામો કેમ પૂરા થતાં નથી. સામાન્ય લોકોને સમજાતું નથી. રાજ્ય અને કેન્દ્ર બન્નેમાં ભાજપની સરકાર હોય ત્યારે સૌરાષ્ટ્રની સૌની યોજના જે રીતે પૂરી થઈ છે તે રીતે કચ્છમાં નર્મદાનું પાણી મોહકુબા સુધી પહોંચાડવાનું કાર્ય ઝડપથી થવું જોઇએ એમ માંડવી રોટરી કલબના સેક્રેટરી યુવા કાર્યકર તેજસ શશિકાન્ત વાસાણીએ કહ્યું હતું. મોડે મોડે પણ જનાકાંક્ષાનો પડઘો ! નર્મદાના નીર કચ્છની જીવાદોરી હોવા છતાં દાયકાઓ પછી પણ પ્રકલ્પને સાકાર કરવામાં જાણે એરુ આડો ઉતરતો હોવાની પરિસ્થિતિમાંથી છૂટકારો મળે તેવી લાગણી ધીંગી ધરાની છે એમ કચ્છ નર્મદા જળ અભિયાનના સદસ્ય અને `નર્મદાવાળા બાપા' તરીકે ઓળખાતા લખમશીભાઇ વાડિયાએ ઠાલવતાં કહ્યું હતું કે, સહનશીલતાએ હદ વટાવી દીધી છે. નર્મદા પ્રશ્ને રાજકીય પક્ષાપક્ષી-જૂથવાદ મુક્ત સહિયારો પુરુષાર્થ સમયની માંગ છે. રાજકીય ઇચ્છા શક્તિની પ્રેરણા કચ્છના નેતૃત્વએ ગુજરાત, સૌરાષ્ટ્ર પાસેથી લેવા જેવી છે. યશ તો નરેન્દ્રભાઈ મોદીને જ માંડવી એપીએમસીના ડાયરેક્ટર રાજેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા કહે છે કે, કચ્છમાં વાગડની ધરતી પર મા નર્મદાના નીરની પધરામણી થઈ એનો યશ કોઈને આપવો હોય તો એ માત્ર ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપી શકાય. અભયારણ્યના નામે કોંગ્રેસે અટકાવેલી કચ્છ કેનાલને તેમણે વડાપ્રધાન બન્યા પછી માત્ર 17મા દિવસે મંજૂરી આપી બાકી રહેતા કામો પૂર્ણ કરવા માટે દરેક તાલુકાના આગેવનો જનતા અને કિસાનોને સાથે રાખી. જમીન સંપાદનની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા ઉપયોગી બને તો આ પ્રશ્નનો જલ્દીથી ઉકેલ લાવી શકાય. સરકારે નર્મદાના અધૂરા કામો પૂરા કરવા માટે 1084 કરોડ રૂપિયાની ફાળવણી કરેલી જ છે. એનો ઉપયોગ થઈ શકે એના માટે એક મત થઈ રાજ્ય સરકાર અને ચૂંટાયેલા જનપ્રતિનિધિને સાથ સહકાર આપવો અતિ આવશ્યક છે.  પ્રજાની નિક્રિયતા જવાબદાર નર્મદાના હકના પાણી માટે લડવું પડે. સાચી વાસ્તવિક્તા એ છે કે ઘણાં વર્ષો નીકળી ગયા એટલે રાજકીય ઈચ્છા શક્તિનો અભાવ અને પ્રજાની નિક્રિયતા બંને જવાબદાર છે. રાજકારણીઓ ચૂંટણી વખતે વચનો આપી જાય છે. પણ પાછા મત લેવા આવે ત્યારે પ્રજા આગળનું ભૂલી જાય છે. કચ્છના ખેતરોમાં પાણી પહોંચી જશે એવું કહેનાર આજે મગરના આંસુ સારે છે તેવું બિદડાના કિસાન  મોહનભાઈ રામાણીએ જણાવ્યું હતું.  કચ્છની જનતા હવે સહન નહીં કરે કચ્છ નર્મદા જળ અભિયાનના પ્રમુખ જયંતીલાલ શિવજી પોકારનું કહેવું છે કે, રસ્તા પરથી ઉતર્યા પછી ડહાપણ વ્યર્થ છે, રાજકારણને વધુ મહત્વ આપવાને બદલે આ પ્રશ્ન ઉકેલાય એ જરૂરી છે. વાસ્તવિક્તાઓ છૂપાવવી જોઈએ નહીં, કચ્છની જનતા આંદોલનનો રાહ લઈ શકે છે. રાજકીય કાવાદાવા ન દાખવો ગઢશીશાના પ્રગતિશીલ ખેડૂત સોહિતભાઈ દેઢિયાએ કચ્છ માટે નર્મદાના નીર મૃગજળ સમા ગણાવી કચ્છમાં રાજકીય કાવા-દાવા શરૂ થતાં ખેદ વ્યક્ત કરી નર્મદા પ્રશ્ને કાનૂની આંટીઘૂંટી અને જમીન સંપાદનનો સત્વરે નિવેડો લાવવો જોઈએ તેવું જણાવે છે. અને ઉદ્યોગો તથા કચ્છી પ્રજાને સત્વરે નર્મદાના નીર મળે તેવી લાગણી વ્યક્ત કરી છે. કચ્છ ખુદ જાગે કાઠડા સરપંચ ભારૂભાઈ ગઢવી કહે છે કે, જેમ દેશની રક્ષા માટે સૈનિક જાન દેવા તૈયાર હોય છે તેમ કચ્છીઓએ નર્મદાના નીર માટે પ્રાણ ન્યાછાવર કરવાની તૈયારી રાખવી પડશે. જ્યાં જ્યાં કામ અટકયા છે ત્યાંના સરપંચો આગળ આવે અને કચ્છ હિતના નિર્ણય લેવડાવે, કચ્છ ખુદ નહીં જાગે ત્યાં સુધી કંઈ થવાનું નથી. રાજકીય શક્તિ બતાવો રાજકીય ઈચ્છાશકિત નથી તો હવે કચ્છ પોતાની રાજકીય શક્તિ કામે લગાડે અને જિલ્લાની તમામ બેઠક પરથી ચૂંટાયેલા આ કાર્ય માટે આગળ આવે તેવું માંડવી તાલુકા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ સુનીલ ચોથાણી કહે છે, તેઓ કહે છે કે, રાજકીય તકવાદીપક્ષો બળતામાં ઘી હોમવાના બહાને આ પ્રશ્નના ઉકેલમાં એકજૂટ થાય. નર્મદાનો નાદ પ્રાસંગિક નહીં બનાવો નર્મદાની નહેરને મોડકુબા સુધી સાકાર કરવાનો અવાજ સમયાંતરે ઊઠતો હોવા છતાં અકળ રીતે વિલંબ લમણે લખાતો રહ્યો છે. કચ્છના નર્મદા પ્રશ્નની રજૂઆત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સુધી કરવી પડી એ દર્શાવે છે કે તંત્રની સુસ્તી નજરઅંદાજ કરવા જેવી નથી. રાજકીય-સામાજિક આગેવાનોએ હુંસાતુંસી મુક્ત સંગઠિત અવાજ ઊભો કરવો હવે અનિવાર્ય બન્યું છે મહિલા અગ્રણી રેના જિતેન કાંતિલાલ શાહે કહ્યું હતું. મોડે મોડે પણ અવાજ તો ઊઠયો રાજ્યના માજી પોલીસ અધિકારી અને અખિલ કચ્છ ગઢવી સમાજના પ્રમુખ વિજયભાઇ કરશનભાઇ ગઢવીને પૂછતાં તેમણે નર્મદાનાં પાણીના મુદ્દે કચ્છ હંમેશાં અન્યાયનો ભોગ બનતું આવ્યું છે. તારાચંદભાઇએ મોડેથી અન્યાય માટે પણ અવાજ ઊઠાવ્યો, નહીંતર સત્તાપક્ષના કોઇ નેતા કે સાંસદ, ધારાસભ્યો અત્યાર સુધી સરકારની હાજી હા કરવાની કામગીરીમાંથી ઊંચા નથી આવ્યા. કચ્છની ચિંતા અને માગણી યોગ્ય અને વાજબી છે. વખતોવખત દુકાળની કારમી થપાટો ઝીલતું કચ્છ હંમેશાં રાજ્ય સરકારની પડખે રહ્યું હોવા છતાં નર્મદાના સૂચિત અને નિયત સમયમર્યાદાના કામથી વંચિત રહ્યું છે. કચ્છની ભાંગતી ખેતી સામે જુઓ કાંઠાળ વિસ્તારના બિદડા ગામના ખેડૂત અગ્રણી અને નર્મદાનાં પાણી મુદ્દે સતત અવાજ ઉઠાવતા મણિલાલ હીરજી ભગત (પટેલ)ને પ્રશ્ન પૂછતાં તેમણે કહ્યું હતું કે, પ્રજાકીય પ્રતિનિધિઓએ કચ્છની પ્રજાની પાણીની પીડાને ગંભીરતાથી સમજવાની તાતી જરૂરિયાત છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત નર્મદાનાં પાણીથી લહેર કરે છે અને કચ્છની આ દશા ? શું કચ્છને કાગળ ઉપર જ નંદનવન બનાવવાની વિચારણા છે કે પછી કચ્છની ભાંગતી ખેતીને પ્રાણ પૂરવાની તમામ રાજકીય આગેવાનોએ પક્ષાપક્ષીના ભેદને છેદી કચ્છનાં હિત માટે એક અવાજે કચ્છની માંગ બુલંદ કરે તો સોનામાં સુગંધ ભળે. રાજકીય એકતા લાવો નખત્રાણા કિસાન સંઘના પ્રમુખ શિવદાસભાઇ કેશરાણીએ કહ્યું હતું કે, તરસ્યા કચ્છને બચાવવા નર્મદા કેનાલનું જે કામ 23 કિલોમીટર જે બાકી છે તે વહેલામાં વહેલી તકે કચ્છને નજર સમક્ષ રાખી પૂરું થવું જોઇએ અને હા, આ પ્રશ્ને રાજકીય રીતે એકજૂટ થઇ તાત્કાલિક કામો શરૂ?થાય તેવી ખેડૂતો તેમજ પ્રજાની માંગ છે. રજૂઆતો તો ઘણી થઇ નખત્રાણા જૂથ ગ્રા.પં.ના ઉપસરપંચ ચંદનસિંહ રાઠોડે મંતવ્ય આપતાં કહ્યું હતું કે, નર્મદા કચ્છનો પ્રાણપ્રશ્ન છે. તેમાં મતમતાંતર ન થાય તે માટે આપણે એક થઇએ અને? તાત્કાલિક અધૂરાં કામો પૂરાં થાય તે ઇચ્છનીય છે. ઉપરાંત રાજ્ય સરકારમાં આ અંગે મંત્રી વાસણભાઇ આહીર, સાંસદ વિનોદભાઇ ચાવડા, ધારાસભ્યોએ મોડકૂબા સુધીનું કામ જલ્દી પૂરું થાય, કચ્છને વધારાનું પાણી મળે એ માટે વખતોવખત રજૂઆતો કરી છે. બાકી જમીન સંપાદનનો પ્રશ્ન જલ્દી ઉકેલ લાવી ઝડપી કામ કેનાલનાં થાય તો નર્મદાનાં નીર જલ્દી મળે. સૌ સાથે મળી કામ કરે નખત્રાણાના પ્રગતિશીલ ખેડૂત-કે.ડી.સી.સી. બેંકના વાઇસ ચેરમેન જયસુખભાઇ પટેલે કહ્યું હતું કે, નર્મદાની યોજના જ કચ્છને નજર સમક્ષ રાખી તૈયાર કરવામાં આવી હતી. પાણી માટેનો કચ્છનો તલસાટ છે. નર્મદા કચ્છ માટે પ્રાણપ્રશ્ન છે, જીવાદોરી છે, ત્યારે હવે મોડકૂબા સુધીની કેનાલનાં કામો વહેલામાં વહેલી તકે પૂરાં થાય. સૌએ સાથે મળીને કેનાલનાં કામો પૂરાં થાય તે માટે પ્રયાસો હાથ?ધરી જમીન સંપાદન કરી કામ શરૂ?થાય તે જોવું જોઇએ. વર્ષોથી રજૂઆત થાય છે માંડવી તા.ના મેરાઉના કિસાન અગ્રણી પટેલ જેઠાલાલ કાનજી કહે છે કે વર્ષો થઈ ગયા નર્મદા માટે રજૂઆતો થાય છે. ડો. મહેતા, સુરેશ મહેતા જેવા નેતાઓ ઉપરાંત કિસાન સંઘ છતાં પરિણામ તો શૂન્ય છે જે ખૂબ સ્પષ્ટ છે કે, રાજકીય ઈચ્છાશક્તિ નથી જો નર્મદા કચ્છમાં વહે તો સરદાર વલ્લભભાઈ પટેલનું સ્વપ્ન સિદ્ધ થાય. કચ્છની વસતીએ તમામ ભેદ ભૂલીને એક થવું પડશે. અન્યથા બસ આવી જ રીતે વાતો થશે અને ભૂલાશે. નિગમની ઘોર બેદરકારી આખું ગુજરાત જાણે છે તેમ કચ્છ શાખાના કામો એક યા બીજા બહાને વર્ષોથી અધૂરા રહેલા છે. જે નિગમની ઘોર બેદરકારીની સાબિતી હોવાનો આક્ષેપ સમાધોધા-બરાયા જૂથ ગ્રા.પં.ના માજી સરપંચ ખુમાનસિંહ જાડેજાએ કર્યો છે. કચ્છ વરસાદ આધારિત સૂકો મૂલક છે. વર્ષોથી જેની રાહ જોતા આવ્યા છીએ એવામાં નર્મદા નીર પણ હવે મૃગજળ સમાન લાગી રહ્યાં છે. નર્મદા નર્મદા કરતાં એક પેઢીના વડીલો પરલોક ચાલ્યા ગયા અને તેમની બીજી પેઢીની પણ સંધ્યા થઈને અસ્ત થવાના આરે છે. સત્યને સાથ આપીએ અંજાર તાલુકા કોંગ્રેસના યુવા પાંખના અગ્રણી અને કોટડાના પૂર્વ સરપંચ વિક્રમ છાંગા કહે છે કે કચ્છ જિલ્લાના પ્રાણપ્રશ્ન નર્મદા મુદ્દે સત્ય બોલનાર તારાચંદભાઇને બિરદાવું છું અને પક્ષાપક્ષી ભૂલીને આ મુદ્દે તેમનું સમર્થન કરું છું. કચ્છ ભાજપના ચૂંટાયેલા અને જવાબદાર જનપ્રતિનિધિઓએ સરકારનું સારું લગાડવાના બદલે પ્રજાહિતનાં કાર્ય માટે સત્યને સાથ આપીને ખડેપગે રહેવું જોઇએ. એકતાની શીખ બીજા જિલ્લાઓમાંથી લઈએ કચ્છની ધીરજવંતી પ્રજા હવે થાકી ગઇ છે. ગળા સુધી આવી ગઇ?છે. કોઇ પણ પ્રકારની રાજકીય ખેંચતાણ મૂકી કામ પૂરું થવામાં રસ છે. આપણી રાજકીય નેતાગીરીમાં એવા જનસાધારણને સ્પર્શતા મુદ્દા ઉપર પક્ષાપક્ષીથી પર રહી કામ કરવાની શીખ અન્ય જિલ્લાઓ પાસેથી લેવી જોઇએ. અત્યાર સુધી જે થયું તે પણ હવે એક દિવસ પણ મોડું થાય છે એ કચ્છને એક વર્ષ પાછળ?ધકેલવા સમાન છે. બસ, કામ થાય અને મોડકુબામાં નર્મદાનાં વધામણાં થાય અને કચ્છનો ખેડૂત આશા અભિલાષાથી છેલ્લા 74 વર્ષથી બેઠો છે, એ પરિપૂર્ણ થાય એમાં કચ્છને રસ છે, એમ શિરવા ભાનુશાલી મહાજનના ટ્રસ્ટી, પ્રગતિશીલ કૃષિકાર અને વી.આર.ટી.આઇ.માં 27 વર્ષથી સ્વરોજગારી પ્રકલ્પ સાથે જોડાયેલા કિશોરભાઇ ચત્રભુજ ભદ્રાએ જણાવ્યું હતું. મારે આ વિષયમાં કશું કહેવું નથી   સરદાર સરોવર નિગમના ડાયરેકટર એવા મુકેશ ઝવેરીએ નર્મદા મુદે્ ગરમાયેલા રાજકીય માહોલ વચ્ચે મારે આ વિષયમાં કશું કહેવું નથી તેવું સૂચક વિધાન કરી વાદ-વિવાદથી દૂર રહેવાનું મુનાસીબ માન્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer