અંતે ભુજના હમીરસર તળાવની સફાઇનો પ્રારંભ

અંતે ભુજના હમીરસર તળાવની સફાઇનો પ્રારંભ
ભુજ, તા. 2 : `જલપેડી'ની ઉજવણી સાથે `હમીરસર'માં ફેલાતી વનસ્પતિ અંગે ચિંતા વ્યકત કરાઇ હતી અને ભુજ નગરપાલિકા દ્વારા બોટ ઉતારી સફાઇનો અંતે આરંભ કરાયો હતો. તેમજ વણજોઇતી વનસ્પતિ ખાઈ પાણી શુદ્ધ કરતી રૂહુ અને કટલા જેવી 17 હજાર માછલીઓ હમીરસરમાં નખાઇ હતી. પ્રાચીન પરંપરા, લોકસંસ્કૃતિની રૂઢી પ્રમાણે વરસાદનું આગમન થાય એ પહેલાં `ભીમ અગિયારસ'ના દિવસે વર્ષાજળના સંગ્રહ માટે ભુજના દરેક સ્થાનિક જલસ્રોતોનું નવીનીકરણ કરાતું હતું એ પરંપરાને જાળવી રાખતાં આજે `જલ સ્રોત સ્નેહ સંવર્ધન સમિતિ' અને `એરિડ કોમ્યુનિટીસ એન્ડ ટેકનોલોજી' સંસ્થાના ઉપક્રમે `જલપેડી'નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હમીરસર તળાવમાં પાંગરી રહેલી અતિક્રમણ કરતી વનસ્પતિના સંદર્ભમાં પણ ચર્ચા કરાઇ હતી. ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યે પણ દરેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજી આ કાર્યમાં સહયોગ આપશે તો ચોક્કસ સમસ્યા દૂર થશે તેમ જણાવ્યું હતું. સુધરાઇ પ્રમુખ લતાબેન સોલંકી, ચેરમેન ભરતભાઇ રાણાએ હમીરસર તળાવના જતનમાં નગરપાલિકા સંપૂર્ણ રીતે જવાબદારી ઉઠાવશે અને એ જ સમયે હમીરસરમાં બોટ ઉતારી સફાઇનો આરંભ કરાવ્યો હતો.આ સાથે તેમણે હમીરસર બ્યુટીફિકેશનનું કામ પણ ટૂંક સમયમાં હાથ ધરાશે તેવી માહિતી આપી હતી.  ઉપેન્દ્રભાઇ ઉપાધ્યાયે સારા વરસાદની આશા વ્યક્ત કરી તળાવમાં ફેલાઇ રહેલી `િફલામેન્ટસ અલ્ગે' નામની વનસ્પતિ અંગે ચિંતા દર્શાવી હતી. સહજીવન સંસ્થાના પંકજભાઇ જોશીએ આ વનસ્પતિ એક જંગલી બાવળ સમાન અતિક્રમણ કરનારી હોવાથી તેને દૂર કરવી જોઇએ તેમ કહ્યું હતું. `એકટ'ના યોગેશભાઇ જાડેજાએ જણાવ્યું કે, ભુજના સાત તળાવોના પાણીના સેમ્પલ લઇ તેમાં જેએસ વોટર નાખી પાણીના બેકટેરિયા દૂર કરવા માટેનો પ્રયોગ ચાલી રહ્યો હોવાનું જણાવી જો એ સફળ રહે અને નગરપાલિકા સમયાંતરે એ દવાનો ઉપયોગ કરે તો ભુજના જળાશયો તંદુરસ્ત બની શકે એવી વાત કરી હતી. જેએસએસએસના તરૂણકાંતભાઇ છાયા, સેતુ અભિયાનના ટ્રસ્ટી અરૂણભાઇ વચ્છરાજાની, ઝવેરીલાલભાઇ સોનેજી, પક્ષીવિદ નવીનભાઇ બાપટ સહિતે વિચારો વ્યક્ત કર્યા હતા. એચઆઇસીના અસીમ મિશ્રા, ભાવસિંહ ખેર, દિવ્યાબેન વૈદ્ય, એકટના મનીષાબેન જાડેજા, ગૌરવ પરમાર, જય અંજારિયા તથા નગરસેવકો તથા હમીરસરપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer