નાગોરમાં મહિલા સંચાલિત જુગારધામ ઝપટે

નાગોરમાં મહિલા સંચાલિત જુગારધામ ઝપટે
ભુજ, તા. 2 : તાલુકાના નાગોર ગામે ગામની ગીતાબેન શાંતિગર બાબુગર ગુંસાઇ નામની મહિલા દ્વારા તેના ઘરમાં ચલાવાતો જુગારનો અડ્ડો અંતે કાયદાના રક્ષકોની ઝપટમાં આવ્યો હતો. આ સ્થળે સ્થાનિક ભુજ બી. ડિવિઝન પોલીસે પાડેલા દરોડામાં આઠ સ્ત્રી-પુરુષ ખેલી રૂા. 26,800 રોકડા સહિત કુલ રૂા. 87,800ની માલમત્તા સાથે ઝડપાયા હતા. તો બીજીબાજુ બંદરીય શહેર માંડવીમાં નવાપુરા વિસ્તારમાં ધાણીપાસા વડે જુગાર રમતા છ આરોપીને રૂા. 31,800ની માલમત્તા સાથે પકડાયા હતા.  લોકડાઉન અને તેમાં ક્રમશ: અપાયેલી છુટછાટ અને હવે અનલોક-1ના સમયગાળામાં પણ જુગારની પ્રવૃત્તિનો વ્યાપ જિલ્લામાં અવિરત રહ્યાનો અહેસાસ કરાવતી આ વધુ બે ઘટના પૈકી ભુજની ભાગોળે આવેલા નાગોર ગામે શંકર મંદિરની પાસે આવેલા ગામના ગીતાબેન ગુંસાઇના ઘર ઉપર દરોડો પાડી આ સ્થળે ચાલતી જુગાર ક્લબ પકડાઇ હતી. આ કાર્યવાહીમાં રૂા. 26,800 રોકડા ઉપરાંત રૂા. 21 હજારના છ મોબાઇલ ફોન અને રૂા. 40 હજારની કિંમતની બે બાઇક મળી કુલ રૂા. 87,800ની માલમત્તા સાથે આઠ સ્ત્રી-પુરુષને ગંજીપાના વડે જુગાર રમવાના આરોપસર ઝડપી લેવાયા હતા. સત્તાવાર સાધનોએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે, પકડાયેલા તહોમતદારોમાં નાગોરના અંજનાબેન રતનગર શંકરગર ગુંસાઇ, સુખપરના સપનાબા શક્તાસિંહ રઘુભા ઝાલા, મિરજાપરના હિનાબેન પ્રકાશગર શંકરગર ગોસ્વામી, રમીબેન ઉર્ફે તુલસીબેન પ્રભુભાઇ મેરામણ ચાવડા, ભાવિકા ઉર્ફે ભાવનાબેન જીતુભાઇ વિશ્રામગર ગોસ્વામી અને પ્રભુભાઇ મેરામણ ચાવડા તથા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાના વતની અને હાલે સુખપર ગામે રહેતા  શક્તાસિંહ રઘુભા ઝાલા અને ઘરમાલિક નાગોરના ગીતાબેન ગુંસાઇનો સમાવેશ થાય છે. ઘરમાલિક મહિલા તેના ઘરે ખેલીઓ બોલાવી જુગારની પ્રવૃત્તિ ચલાવતી હોવાનો આરોપ પોલીસે ફરિયાદમાં મૂકયો છે. બી. ડિવિઝન પોલીસના પંકજ કુસવાહ અને હરિશચન્દ્રાસિંહ જાડેજાની સંયુક્ત બાતમીના આધારે ઇન્સ્પેકટર આર.એન. ખાંટની રાહબરીમાં આ દરોડો પડાયો હતો તેમ સત્તાવાર સાધનોએ જણાવ્યું હતું. જ્યારે માંડવી શહેરમાં નવાપુરા વિસ્તારમાં જાહેરમાં ધાણીપાસા વડે જુગાર રમવાના આરોપસર માંડવીના રાકેશ પ્રવીણકુમાર પલણ (ઠકકર), અનિરૂદ્ધાસિંહ રામસંગજી ચાવડા, લલિત પ્રાગજી સોની, રાજુભા મેઘરાજજી જાડેજા, જયેશ પ્રેમજી વાળંદ અને કોટડી મહાદેવપુરીના હાલે માંડવી રહેતા ધર્મેન્દ્રાસિંહ બુદ્ધુભા ડાભીને પકડાયા હતા. પોલીસે આ બાબતે આપેલી વિગતો અનુસાર આરોપીઓ પાસેથી રૂા. 20,600 રોકડા ઉપરાંત રૂા. 11,200ના ચાર મોબાઇલ ફોન મળી કુલ રૂા. 31,800ની માલમત્તા કબ્જે કરી તેમની વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી. પોલીસ ઇન્સ્પેકટર બી.એમ. ચૌધરીના માર્ગદર્શન તળે સહાયક ફોજદાર દિનેશ ભટ્ટીની બાતમીના આધારે આ છાપો મરાયો હતો.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer