કચ્છના ઉદ્યોગ જગતને મહિને 40 હજાર કરોડનો ફટકો

ભુજ, તા. 1 : પેટની ભૂખ દેશના અનેક પ્રાંતોમાંથી કચ્છ સુધી ખેંચી લાવી હતી એવા શ્રમિકોએ કોરોના મહામારીના ડરથી પરત પોતાના વતનની વાટ પકડીને કોઇ સાધન નહીં મળે તો કંઇ નહીં - પરવા કર્યા વગર પગપાળા નીકળી ગયા હતા. કચ્છમાંથી એક મહિનામાં 60 હજારથી વધુ મજૂરો ચાલ્યા જવાથી સૌથી મોટી અસર ઉદ્યોગ જગતને પડી છે. મહિને 50 હજાર કરોડનું ઉત્પાદન 10 હજાર કરોડે આવી પહોંચતાં 40 હજાર કરોડના ઉત્પાદનમાં ફટકો પડયો હોવાના હેવાલ મળ્યા છે. 21મી માર્ચે વડાપ્રધાને દેશમાં લોકડાઉનની જાહેરાત કરતાં જ કોરાનાનો કહેર વધશે તેવી ભીતિ વર્તાવા લાગી હતી. દરેક વર્ગના લોકોને ઘરમાં જ રહેવાની તાકીદ કરવામાં આવી અને તમામ ધંધા-રોજગાર, ઉદ્યોગગૃહો ઠપ થવા લાગતાં હજારો કિલોમીટર પોતાના ઘર, વતન, પરિવારથી દૂર રોજગારીની શોધમાં આવી પહોંચેલો મજૂરવર્ગ શેકાયો હતો. ખાસ કરીને અશિક્ષિત એવા મજૂરોમાં ફફડાટ વધતો ગયો ને પોતાના પરિવારની ચિંતા થકી કચ્છનો ખૂણે-ખૂણે કામ કરતા શ્રમિકો પોતાના વતન પરત જવા નીકળી પડયા હતા. પરિસ્થિતિ અત્યંત વિકટ બની ને વતનની વાટ પકડવા ક્યાંક તો ટોળાં સ્વરૂપે મજૂરો પગપાળા નીકળી પડયા હતા. તંત્ર, પોલીસ સાથે થયેલા ઘર્ષણ વચ્ચે પણ કચ્છ છોડવાની જિદ્દ પકડી લેતાં પ્રશાસનને આખરે નમતું જોખવું પડયું ને આવા શ્રમિકો માટે વતનમાં જવાની આખરે વ્યવસ્થા કરવી પડી હતી. તમામ પ્રકારની યાતાયાત  બંધ છે તેમ છતાં મજૂરોની ઘેર જવાની માંગ વચ્ચે સરકારે શ્રમિક ટ્રેન દોડાવવાની જાહેરાત કરી હતી. કચ્છના દરેક તાલુકામાંથી મજૂરોની યાદી તૈયાર કરવાની જવાબદારી કચ્છના ડિઝાસ્ટર મામલતદારને સોંપવામાં આવી હતી. મે મહિનાની છઠ્ઠી તારીખે ભુજ ખાતેથી પ્રયાગરાજ સુધીની પ્રથમ ટ્રેન રવાના થતાં 1200 મજૂરોનો જથ્થો ઉત્તરપ્રદેશ પહોંચ્યો હતો. કચ્છમાંથી અત્યાર સુધી કેટલા મજૂરો વતનમાં ગયા છે એ જાણવા કચ્છના કલેક્ટર પ્રવીણા ડી.કે.નો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, 50થી 60 હજાર મજૂરો કચ્છમાંથી પોતાના જુદા જુદા પ્રાંતમાં પહોંચ્યા છે. કલેક્ટરના જણાવ્યા પ્રમાણે એક મહિનામાં 30 ટ્રેન ભુજ અને ગાંધીધામથી દોડાવવામાં આવી છે, જેમાં ઉત્તરપ્રદેશ-બિહાર માટે 16, ઝારખંડ માટે 2, પશ્ચિમ બંગાળ-આંધ્રપ્રદેશની 2-2, આસામ માટે 1, ઓરિસ્સા 2, મધ્યપ્રદેશ 2 એમ અલગ અલગ રાજ્યોની 30 ટ્રેનમાં 50 હજારથી વધુ મજૂરો રવાના થઇ?ચૂક્યા છે. એવી જ રીતે 213 બસમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સુધી આઠ?હજારથી વધારે શ્રમિકો રવાના થયા છે. જમ્મુ, તામિલનાડુ, કેરળ માટે કચ્છમાંથી કોઇ સીધી વ્યવસ્થા ન હોવાથી અંદાજે બે હાજારથી વધારે મજૂરોને અમદાવાદ મોકલી ત્યાંથી આવાં સ્થળોએ મોકલવામાં આવ્યા હતા. બધા જ મજૂરો પાસેથી ભાડાંની વસૂલાત કરવામાં આવી હતી, એ સવાલ સામે કલેક્ટરે જણાવ્યું કે, 22મી મેના કોર્ટની સૂચના પછી એક પણ રૂપિયો ભાડાં માટે લેવામાં નથી આવ્યો, પરંતુ એ પહેલાં ગયેલા પાસેથી ટિકિટ ભાડું લેવામાં આવ્યું છે. હજારોની સંખ્યામાં મજૂરો કચ્છ છોડી જતાં હવે ઉદ્યોગોને મોટી ખોટ?પડી છે ત્યારે તેમણે જણાવ્યું કે, વાત સાચી છે પરંતુ જે ગયા છે તે પરત આવશે, કચ્છમાં રોજગારીની મોટી તકો છે. તેમણે જણાવ્યું કે, રાજસ્થાન રાજ્યમાંથી મજૂરો આવી રહ્યા છે. તો હવે સ્થાનિક શ્રમિકો માટે પણ મોટી તક છે, તો કામ સંભાળી લેવું જોઈએ. બીજી બાજુ કચ્છના ઉદ્યોગ જગતને મજૂરોના ઉચાળાથી મોટી ખોટ વર્તાઈ રહી હોવાની વાતનો ખુદ ફોકિયાના મોવડી નિમિષ ફડકેએ સ્વીકાર કર્યો હતો. તેમણે પણ એમ કહ્યું કે, સત્તાવાર રીતે 60 હજાર જેટલા મજૂરો ચાલ્યા ગયા છે. શ્રી ફડકેના જણાવ્યા પ્રમાણે કચ્છમાં નાના-મોટા ત્રણ હજારથી વધુ ઉદ્યોગો કાર્યરત છે. જે માલની માંગ ઓછી છે ત્યાં તો એકમો સાવ બંધ જેવા જ છે, જ્યાં માલની માંગ વધારે છે ત્યાં હવે મજૂરો નથી એટલે ઉત્પાદન શક્ય બનતું નથી. રિયલ એસ્ટેટ મોટાભાગે બંધ હાલતમાં છે, તેથી સિમેન્ટ ઉત્પાદનમાં મોટો ઘટાડો છે, તો ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે લેબરની અછત છે. આવી જ હાલત પોર્ટ પ્રશાસનની છે. લોડિંગ-અનલોડિંગ માટે મેનપાવર નથી, ડ્રાઈવરોની પણ મોટી અછત ઊભી થઈ પડી છે. કચ્છમાં ઉદ્યોગ જગતના આર્થિક ટર્નઓવરના આંકડા આપતાં તેમણે જણાવ્યું કે, મોટા મૂડીરોકાણ સાથે કચ્છમાં વર્ષે પાંચથી છ લાખ કરોડનું એટલે કે દર મહિને 50 હજાર કરોડનું ટર્નઓવર સામાન્ય સંજોગોમાં ચાલતું હતું, પરંતુ લોકડાઉન પછી માંડ 20 ટકા ટર્નઓવર થઈ રહ્યું છે. મહિને રૂપિયા 40 હજાર કરોડના ઉત્પાદનને અસર પહોંચી છે. કચ્છને આર્થિક ક્ષેત્રે મોટો ફટકો પડી રહ્યો છે, પણ સામે તેમણે એક આશા જતાવી હતી કે મજૂરો ભલે જ્યાં ગયા હોય ત્યાં રોજગારીની તકલીફ છે એટલે જલ્દી પરત આવી જશે એટલે પુન: ઉદ્યોગ ધમધમી ઊઠશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer