વધુ 14 ચરસના પેકેટ મળતાં સુરક્ષા એજન્સીઓ દોડધામમાં

ભુજ/નારાયણ સરોવર, તા. 2 : કચ્છની દરિયાઈ અને ક્રીક સરહદો પર કેફી દ્રવ્યોના નાપાક સોદાગરોનો ડોળો મંડાયો છે.ગઈકાલે 19 ચરસના પેકેટ મળ્યા બાદ આજે વધુ 14 ચરસના પેકેટ મળ્યા છે. છેલ્લા બે સપ્તાહ દરમ્યાન કચ્છની દરિયાઈ ક્રીક-ટાપુ પરથી કુલ્લ 50 ચરસના પેકેટ મળ્યા છે, જેની અંદાજિત કિંમત રૂા. 75 લાખ આસપાસ થવા જાય છે.આમ, આ કેફી દ્રવ્યોનો જથ્થો ઝડપાવાનો સિલસિલો ચિંતાજનક બનતાં સુરક્ષા એજન્સીઓની દોડધામ વધી છે.આજે સવારથી જ સીમા સુરક્ષા દળની ટીમે સ્પીડ બોટ મારફત સર્ચ ઓપરેશન લક્કી નાળાથી રામેન્દ્ર ચોકીની વાટ પકડીને સિરક્રીક તરફ ટીમ પહોંચી હતી, જ્યાં કુંડીબેટ પાસેથી ચરસના 13 પેકેટ બિનવારસુ હાલતમાં મળી આવ્યા હતા. દરમ્યાન અન્ય એક ચરસનું પેકેટ સાંઘી સિમેન્ટ કંપની સામેના દરિયા ટાપુ પરથી મળી આવ્યું હતું. ગઈકાલે લક્કી નાળા વિસ્તારમાંથી મળેલા 19 પેકેટ  આજે સવારે તથા આજે કુંડીબેટ પાસેથી મળેલા 13 પેકેટ સાંજે નારાયણ સરોવર પોલીસમાં જમા કરવાની કાર્યવાહી થઈ હતી. 20મી મેના શેખરાનપીર ખાતેથી 16 કેફી દ્રવ્યોના પેકેટ મળ્યા બાદ 26મીના ફરી એક પેકેટ મોટાપીરના કાંઠેથી મળ્યો હતો અને ગઇકાલે 19 અને આજે 14 એમ બે સપ્તાહ દરમ્યાન જ 50 પેકેટ ચરસનો જથ્થો આ વિસ્તારમાંથી મળી આવતાં આ વિસ્તાર હવે અતિસંવેદનશીલ બનતો જાય છે અને તેની ગંભીરતા સમજી દરિયાઇ સીમાના જાપ્તાને વધુ સઘન બનાવાયો છે. આ વિસ્તારમાં સુરક્ષા સંબંધિત વિવિધ દળની એજન્સીઓના જવાનો, શ્વાનો રાત-દિવસ જોયા વિના ખડેપગે રહે છે. માર્કોસ કમાન્ડો પણ અહીં તૈનાત થયા છે. સીમા સુરક્ષા દળની આજે આખા દિવસની સતત તલાશીના પગલે આ સફળતા મળી છે ત્યારે હજુ પણ આગામી દિવસોમાં આ સર્ચ ઓપરેશન વધુ સઘન બનાવાશે તેવું સીમાદળના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. બે સપ્તાહ દરમ્યાન ચરસના 50 પેકેટ જે મળ્યાં છે તે એકસરખા જ છે, જે અલગ અલગ સ્થળે મળ્યા છે. આમ, હજુ વધુ માલ મળવાની પણ સંભાવના છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer