શુક્રવાર સુધી જિલ્લામાં વરસાદનો વર્તારો

ભુજ, તા. 2 :અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન વધુ મજબૂત બની નિસર્ગ નામના વાવાઝોડાંમાં પરિવર્તીત થઈ મહારાષ્ટ્ર-દમણ વચ્ચે ત્રાટકવાની સંભાવના વચ્ચે કચ્છમાં તેની નહીવત્ અસર જોવા મળશે અને માત્ર છૂટા-છવાયા સ્થળે ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.  દરમિયાન જિલ્લામાં મંદ પડેલી પવનની ગતિ વચ્ચે ભેજનું પ્રમાણ વધતાં તાપની સાથે બફારાની અનુભૂતી જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં થઈ હતી. ભુજમાં મહત્તમ પારો એકાદ સપ્તાહ બાદ 40 ડિગ્રીને પાર થઈ 40.8 ડિગ્રીએ પહોંચતા બપોરના સમયે તાપ અનુભવાયો હતો. કંડલા એરપોર્ટમાં 39.8 અને કંડલા પોર્ટમાં 38.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાત્રીનું તાપમાન પણ 27 થી 29 ડિગ્રી વચ્ચે રહેતાં ઠંડકના બદલે ઉકળાટનો માહોલ અનુભવાયો હતો.  ભુજ હવામાન કચેરીના પ્રભારી રાકેશકુમારે જણાવ્યું કે નિસર્ગ વાવાઝોડું વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરે તેવી ઓછી શક્યતા વચ્ચે કચ્છમાં તો છુટછવાયા વરસાદની સંભાવના હાલ તુરંત જોવા મળી રહી છે. આજે અને આવતીકાલે કેટલાક વિસ્તારમાં પવન-ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતા વધુ દેખાઈ રહી છે.  નોંધનીય છે કે, કચ્છમાં આ વાવાઝોડાંની અસર થવાની નહીવત્ શક્યતા છતાં તંત્ર દ્વારા તમામ પ્રકારનાં આગોતરાં તકેદારીના પગલાં ભરવામાં આવ્યાં હતાં. કંડલા બંદરે 1 નંબરનું ચેતવણી સૂચક સિગ્નલ પણ લગાવાયું હતું. કચ્છમાં વરસાદ વરસશે તો તે પ્રીમોન્સૂન એક્ટિવિટીનો એક ભાગ પણ હશે. મહત્તમ તાપમાનમાં વધારો થશે તો થન્ડરસ્ટોર્મ સર્જાવાની સંભાવના પણ હવામાન નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer