ભુજ સુધરાઇમાં ડબલ પગાર મુદ્દે ખાધું, પીધું, રાજ કર્યુંની નીતિ સાથે પડદો

ભુજ, તા. 2 : શહેર સુધરાઇમાં ફિક્સ પગારદારના ડબલ પગાર મુદ્દે વધારાના રૂપિયા હપ્તે હપ્તે ભરવાનું આયોજન ગોઠવી આપવા સાથે નવા બે જણની વસ્તી ગણતરી કામ માટે નિમણૂક કરી ખાધું, પીધું અને રાજ કર્યુંની નીતિ સાથે ગંભીર કહી શકાય તેવા પ્રકરણ પર પડદો પાડી દેવાયાની ચર્ચાએ જોર પકડયું છે. સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ભુજ સુધરાઇ ભ્રષ્ટાચાર અને અણમાનીતા કર્મચારીઓને પરેશાન કરવા મુદ્દે વારંવાર પ્રકાશમાં આવતી રહે છે. આવા જ એક ડબલ પગારના બનાવમાં બે ફિકસ પગારદારો પર તમામ આળ નાખી જવાબદારો છટકી ગયા અને બે ફિકસ પગારદારો પાસે વસૂલવાની રકમ હપ્તેથી ભરવાની ગોઠવણ પણ હેમખેમ થઇ ગઇ. ઉપરાંત બે નવા કર્મચારીની વસતી ગણતરીની કામગીરી માટે નિમણૂક પણ કરી નખાઇ. આ તમામ બાબત જગજાહેર થવા છતાં અને સુધરાઇ અધ્યક્ષા લતાબેન સોલંકી, કારોબારી ચેરમેન ભરત રાણાનું ધ્યાન દોરવા છતાં આ ગંભીર બનાવમાં પડદા પાછળની ભૂમિકા કોણે ભજવી તે અંગેની તપાસમાં કોઇ રસ ન દાખવ્યો. હાલમાં તમામ ફિક્સ વેતનધારકોને કોન્ટ્રાકટરને હવાલે કરવાનું પણ છાને ખૂણે ષડયંત્ર ચાલતું હોવાની કચેરીમાં ચર્ચા જાગી છે.  જો કે, ડબલ પગાર મુદ્દે અમુક જાગૃતો માહિતી અધિકાર તળે હકીકત જાણી આ ગંભીર ઘટનામાં ભૂંડી ભૂમિકા ભજવનારાને પાધરા કરવા પ્રયત્નશીલ બન્યા હોવાનું  પણ સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer