કામદારોને યોગ્ય આરોગ્યસેવા નહીં મળતાં ડીપીટીના સીએમઓને કાનૂની નોટિસ મળી

ગાંધીધામ, તા. 2 : દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના ચીફ મેડિકલ ઓફિસર (સીએમઓઁ)ને કંડલા ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયન (એચ.એમ.એસ.) દ્વારા જો 30મી જૂન સુધી  કામદારોને યોગ્ય આરોગ્ય સેવા નહીં મળે તો અદાલતમાં જવાની કાનૂની નોટિસ ફટકારાતાં છેલ્લા લાંબા સમયથી કથળેલી આરોગ્ય સેવાનો મુદ્દો હવે ગરમાયો છે. યુનિયનના મહામંત્રી અને માજી લેબર ટ્રસ્ટી મનોહર બેલાણીએ એક યાદીમાં જણાવ્યું છે કે ડીપીટીમાં કાર્યરત કામદારો તથા તેમના પરિવારજનોને તેમજ પેન્શનર્સને તેમની નોકરીની શરતો તથા વિવિધ સમજૂતીને આધીન આરોગ્યસેવા આપવામાં આવે છે.આ શરતો અનુસાર કર્મચારીઓ તથા પેન્શનર્સને મફત આરોગ્યસેવા આપવાની રહે છે. જેના માટે જરૂરી નિયમનો પણ છે. ભારત સરકારે તેને મંજૂરી આપીને ગેઝેટ નોટિફિકેશન પણ બહાર પાડેલું છે. પરંતુ કેટલાક સમયથી આ આરોગ્યસેવા મેળવવામાં કામદારોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. ડીપીટીની હોસ્પિટલ છે પરંતુ તેમાં પૂરતી સેવા ઉપલબ્ધ નથી. કોઇ પણ સ્પેશિયાલિસ્ટ ફીટમેન્ટની વ્યવસ્થા નથી. અધૂરામાં પૂરું?પૂરતો પેરામેડિકલ સ્ટાફ પણ નથી. કોન્ટ્રેકટ ઉપર પેરામેડિકલ સ્ટાફ લેવાય છે પણ તેમાંય પૂરતો સ્ટાફ લેવાતો નથી, જેનો ભોગ દર્દી બની રહ્યા છે.ડીપીટી બોર્ડે કામદારોને નિષ્ણાત તબીબી સેવા મળી રહે તે હેતુથી ગુજરાતની કેટલીક હોસ્પિટલોને માન્યતા આપી છે. જેમાં કામદારોને રીફર કરાય છે. પરંતુ આવી હોસ્પિટલોના મસમોટાં બિલને સી.જી.એચ.એસ.ના નામે નિયમિત કરીને મોટી રકમ કાપી લેવાય છે. પરિણામે કાપી નખાયેલી રકમ કર્મચારીએ ભોગવવી પડે છે, એવું જણાવીને શ્રી બેલાણીએ ઉમેર્યું હતું કે, આવી હોસ્પિટલો સાથે સી.જી.એચ.એસ.ના કરાર કરવામાં આવ્યા હોય તો તે હોસ્પિટલ તેનાથી વધુ રકમ કેમ લે છે તે મોટો પ્રશ્ન છે. આમ છતાં વધારાની રકમ કામદારોના પગારમાંથી ચૂપચાપ કાપી લેવાય છે તેવો આક્ષેપ તેમણે કર્યો હતો. આવી વિટંબણાને કારણે કામદારોને ચિકિત્સા સુવિધા મળવી બંધ થઇ ગઇ છે.ડીપીટી હોસ્પિટલમાં લેબોરેટરીની સુવિધા નથી. અન્ય મોંઘા ટેસ્ટિંગ મશીન બંધ પડયાં છે. ડિજિટલ એકસરેની સુવિધા હતી તે પણ બંધ થઇ ગઇ છે. તાકીદની કે કેન્સર જેવી બીમારીવાળા કામદારોને શ્રમિક કલ્યાણ ભંડોળમાંથી નાણાં ફાળવવાની અરજીઓ લાંબા સમય સુધી પડતર રાખી છેલ્લે કારણ વગર નામંજૂર કરાય છે. વાડીનાર ખાતે પણ આવી જ હાલત છે. આ અંગે સંગઠને અનેક વખત લેખિત, મૌખિક રજૂઆત કર્યા છતાં કોઇ  સુધાર આવ્યો નહીં હોવાથી હવે સંગઠને આ કાનૂની નોટિસ  ફટકારી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer