સરકારી કચેરીઓમાં રાબેતા મુજબનો માહોલ ધીરે ધીરે જામવા લાગ્યો

ભુજ, તા. 2 : લોકડાઉનના ચાર તબક્કા પૂર્ણ થયા બાદ અનલોક-1 શરૂ થતાંની સાથે જ બજારો અને અન્ય વ્યાવસાયિક પ્રતિષ્ઠાનોની સાથે મોટાભાગની સરકારી કચેરીઓ સંપૂર્ણ સ્ટાફની હાજરી સાથે ધમમધમતી કરી દેવાઇ છે. ત્યારે હવે જિલ્લાની સરકારી કચેરીઓમાં રાબેતા મુજબનો ધમધમાટ વર્તાવાનું શરૂ થઇ ગયું છે. અરજદારોની સામાન્ય રીતે વધુ ભીડ રહેતી હોય છે એવા જનસેવા કેન્દ્રો સબરજીસ્ટ્રાર કચેરીઓ તેમજ અન્ય ઘણા ખરા વિભાગોની કામગીરી અત્યાર સુધી મહંદેશે બંધ જ હતી માત્ર વહીવટી કાર્યો જ ચાલુ હતા. અનલોક-1ની સાથે આ કચેરીઓમાં કામગીરીનો ધમધમાટ આરંભાઇ જતાં આ તમામ વિભાગોમાં રાબેતા મુજબનો માહોલ ધીરે ધીરે જામતો જોવા મળી રહ્યો છે. કચ્છ યુનિવર્સિટી પણ હવે પૂર્ણ રીતે ધમધમી ઉઠવા સાથે અટકેલા કાર્યોને વેગ આપવાની સૂચના આપવામાં આવી છે. છૂટછાટો મળ્યા બાદ જ્યારે સરકારી કચેરીઓમાં સામાજિક અંતર જાળવી રાખવાની સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે. ત્યારે કેટલાક અરજદારોએ પોતાનો કચવાટ વ્યક્ત કરતાં કહ્યું કે, તકેદારીના આવશ્યક પગલાં ભરવાની સૂચના છતાં જ્યાં વધુ લોકોની અવન-જાવન રહે છે એવી આ કચેરીઓમાં  સેનિટાઇઝેશન કે પછી મુખ્ય પ્રવેશ દ્વારે થર્મલ ગનથી શરીરનું તાપમાન માપવાની બાબતની કોઇ કાળજી લેવાતી નથી. જાણકારો દ્વારા એ બાબતે પણ ધ્યાન દોરવામાં આવી રહ્યું છે કે સંક્રમણની વધુ ભીતિ ભીડ ભાડવાળી જગ્યાઓ પર રહેતી હોવાના લીધે જે પ્રકારે નિષ્કાળજી દેખાડવામાં આવી રહી છે તે જોખમકારક સ્થિતિ સર્જી શકે તેવો અંદેશો પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.વહીવટી તંત્ર આ બાબતે થોડી વધુ સચેતતા દેખાડી કાર્ય કરે તેવી લાગણી પણ જાગૃત નાગરિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer