આરટીઓમાં વાહન ફિટનેસ રિન્યૂ કામગીરી 8મી જૂનથી

ભુજ, તા.2 : રાજ્ય સરકારની અન્ય આરટીઓ/એઆરટીઓ કચેરીની સાથે જ કચ્છમાં પણ આરટીઓ કચેરી 4 જૂનથી શરૂ થવા જઈ રહી છે. જોકે ટ્રાન્સપોર્ટ વાહનોના ફિટનેસ રિન્યૂ કરાવનારાઓને થોડી રાહ જોવી પડશે. ફિટનેસ રિન્યૂ કરાવવાનું કામ 8 જૂનથી કચેરીમાં હાથ ધરાશે એવી જાહેરાત કરવામાં આવી છે. સત્તાવાર મળતી માહિતી મુજબ જે કાચાં લાયસન્સ (લર્નર લાયસન્સ) ધારકોના લાયસન્સની મુદ્દત 21 માર્ચથી આજ સુધીમાં પૂરી થઈ છે તેવા લાયસન્સધારકો 31 જુલાઈ 2020 સુધી પાકાં લાયસન્સ માટે ટેસ્ટ આપી શકે તેવો સુધારો સરકાર દ્વારા સિસ્ટમમાં કરવામાં આવ્યો છે તેથી દરેક ટેસ્ટ આપનારા અરજદારે એપોઈન્ટમેન્ટ લઈને આવવાનું રહેશે.અહીંની આરટીઓ કચેરી ખાતે કોવિડ-19ને લગતી સૂચનાઓનો અમલ કરાવવામાં આવશે અને કચેરીએ આવનારે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું રહેશે અને ફરજિયાતપણે માસ્ક પહેરવાનું રહેશે એમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી સી.ડી. પટેલે જણાવ્યું હતું. લાયસન્સ-આર.સી.ની ડિજિટલ કોપી માન્ય દરમ્યાન, વાહનવ્યવહાર કમિશનર દ્વારા તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડી કોવિડ મહામારી દરમ્યાન ડ્રાઈવિંગ લાયસન્સ અને આરસી બુકની `એમપરિવહન' અને `ડિજિલોકર' પર ડાઉનલોડ કરેલી કોપી મોટર વ્હીકલ એક્ટ 1989 અંતર્ગત માન્ય છે તેવી સ્પષ્ટતા કરવામાં આવી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer