રાની ખેલરત્નની પ્રબળ દાવેદાર

નવી દિલ્હી, તા.2: પ્રતિષ્ઠિત ખેલરત્ન પુરસ્કાર માટે હોકી ઇન્ડિયાએ ભારતીય મહિલા ટીમની કપ્તાન રાની રામપાલને નામાંકિત કરી છે. જયારે વંદના કટારિયા, મોનિકા અને પુરુષ ટીમના હરમનપ્રિતસિંઘના નામ અર્જુન એવોર્ડ માટે ભલામણ કરવામાં આવ્યા છે. મેજર ધ્યાનચંદ લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ માટે પૂર્વ ખેલાડી આરપી સિંઘ અને તુષાર ખાંડેકરના નામ મોકલવામાં આવ્યા છે. દેશના સર્વોચ્ચ ખેલ સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે 1 જાન્યુઆરી 2016થી 31 ડિસેમ્બર 2019 વચ્ચેનું પ્રદર્શન ધ્યાને રાખવામાં આવશે. ખેલ મંત્રાયલની તટસ્થ સમિતિ દ્વારા આ પુરસ્કાર રાષ્ટ્રીય ખેલ દિવસ 29 ઓગસ્ટે એનાયત કરવામાં આવે છે. સમય મર્યાદામાં મહિલા હોકી ટીમની સુકાની રાની રામપાલે ભારતને 2017માં એશિયા કપમાં વિજેતા બનાવ્યું હતું અને 2018ના એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. રાનીએ એફઆઇએચ કવોલીફાયર ટૂર્નામેન્ટમાં વિજયી ગોલ કરીને ટોક્યો ઓલિમ્પિક માટે ટીમનું સ્થાન પાકુ કર્યું હતું. તે વર્લ્ડ એથ્લેટ પુરસ્કાર જીતનારી પહેલી ભારતીય મહિલા ખેલાડી છે. રાનીને 2016માં અર્જુન એવોર્ડ અને 2020માં પદ્મશ્રી પુરસ્કાર મળી ચૂકયા છે. ખેલ રત્ન એવોર્ડ છેલ્લે સરદાર સિંઘને મળ્યો હતો. આ વખતે રાની રામપાલને આ પુરસ્કારની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. બીજી તરફ ભારતીય મુક્કેબાજ સંઘે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રજત ચંદ્રક જીતનાર બોકસર અમિત પંધાલ અને અનુભવી વિકાલ કૃષ્ણનના નામ ખેલ રત્ન માટે નોમીનેટ કર્યાં છે. આમ આ વખતે ખેલ રત્ન પુરસ્કાર માટે ક્રિકેટર રોહિત શર્મા, ભાલા ફેંક ખેલાડી નિરજ ચોપરા, મહિલા કુસ્તી ખેલાડી વિનેશ ફોગાટ, રાની રામપાલ સહિતના ખેલાડીઓ વચ્ચે ટક્કર થશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer