કરારબદ્ધ ક્રિકેટરો માટે દર ત્રણ મહિને આંખની તપાસ ફરજિયાત

નવી દિલ્હી, તા.2: ટીમ ઈન્ડિયાના ક્રિકેટરોના સ્વાસ્થ્ય સંબંધે એવી ખબર સામે આવી છે કે બીસીસીઆઇ દર ત્રણ મહિને તમામ ખેલાડીઓની આંખની તપાસ કરાવે છે. રિપોર્ટ અનુસાર બંગાળ ક્રિકેટ એસો.એ કોવિડ-19 બાદ રમત શરૂ થાય ત્યારે દરેક ખેલાડીની આંખની તપાસ કરાવી તેવો પ્રસ્તાવ રાખ્યો છે. એ પ્રસ્તાવ બાદ એવી વાત સામે આવી કે બીસીસીઆઇ તો પાછલા ત્રણ વર્ષથી તેના ખેલાડીઓની નિયમિત રીતે આંખોની તપાસ કરાવે છે.  કારણ કે ક્રિકેટ રિફ્લેકસેસ અને આંખ-હાથના સંયોજનની રમત છે. આથી ટીમ ઇન્ડિયાના કરારબધ્ધ ખેલાડીઓની દર ત્રણ મહિને આંખોની તપાસ બીસીસીઆઇ કરાવે છે. જે કરારની શરતનો હીસ્સો છે. ક્રિકેટની રમતમાં ખેલાડી માટે હાથ-આંખનું સંયોજન તેની મુખ્ય તાકાત હોય છે. જો કોઇને સમસ્યા હોય તો લેન્સ અથવા તો ચશ્માની મદદથી દૂર કરી શકાય છે. કારણ કે 140 કિમી પ્રતિ કલાકની સ્પીડે આવતા દડાને રમવાનો હોય છે. એમાં જરા પણ ચૂક ન ચાલે. આ માટે બાજ જેવી નજર અને ચિતા જેવી ચપળતા જોઇએ.  હવે બંગાળ ક્રિકેટ એસો. દ્વારા ઘરેલુ ક્રિકેટમાં પહેલીવાર ખેલાડીઓની આંખની તપાસ માટે નિર્ણય લેવાયો છે. જેની શરૂઆત જયારે પણ કેમ્પની છૂટ મળશે ત્યારે કરવામાં આવશે. હાલ અન્ડર-23 અને સીનીયર ટીમ માટે બંગાળે આ નિયમ બનાવ્યો છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer