બન્નીમાં ગ્રીન ટ્રિબ્યુનલના આદેશનું પાલન કરવા માંગ

ભુજ, તા. 2 : બન્ની વિસ્તારના લુણા પંચાયતના ગામોમાં નોન ફોરેસ્ટ એક્ટિવિટી  રોકવા બાબત નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશનું થઈ રહેલું ઉલ્લંઘન રોકવા તાત્કાલિક   પગલાં ભરવા બાબતે બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા બન્નીમાં સ્થાનિક લોકો દ્વારા ગેરકાયદેસર ખેતી અને દબાણના સ્વરૂપે થઈ રહેલી નોન ફોરેસ્ટ એક્ટિવિટી રોકવા અનુસંધાને અગાઉના હુકમ દ્વારા બન્ની રક્ષિત જંગલમાં કોઈ પણ નોન ફોરેસ્ટ એક્ટિવિટી પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે, પરંતુ કચ્છ બન્નીમાં લુણા પંચાયતના બુરકલ, લુણા નાના, લુણા મોટા તથા હાજીપીર ગામોમાં ફોરેસ્ટ દ્વારા ટ્રેક્ટર જેવાં સાધનોથી ખેડ અને વાવણી કરીને ખુલ્લેઆમ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશનો ભંગ કરવામાં આવી રહ્યો છે, તેવું સંગઠનના પ્રમુખ મીરાશા મુતવાએ પત્રમાં જણાવ્યું હતું.પરિસ્થિતિને ધ્યાને રાખીને બન્ની વિસ્તારની લુણા પંચાયત ગામોમાં તાત્કાલિક તપાસ કરી ગામોમાં થઈ રહેલી નોન ફોરેસ્ટ એક્ટિવિટી અટકાવીને ગ્રીન ટ્રિબ્યુનલના આદેશનો અમલ થવા જરૂરી તમામ કાર્યવાહી હાથ ધરવા માગણી કરી હતી. જો આ ચાર ગામોમાં ગ્રીન ટ્રિબ્યુનલના આદેશના ભંગ સમાન નોન ફોરેસ્ટ એક્ટિવિટી દૂર કરવામાં નહીં આવે તો બીજા ગામો પણ આ જ રીતે દબાણો કરી ખેતી કરશે અને જેનાથી બન્નીના પશુઓ, જંગલી પશુ-પક્ષીઓને મોટા પાયા પર નુકસાન થવાની સંભાવના રહેલી છે. તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer