શેરડી અને વાંઢ વચ્ચે ખાડો બચાવવા જતાં બાઇક સ્લિપ થતાં મહિલાનું મોત

ભુજ, તા. 2 : માંડવી તાલુકામાં શેરડી અને વાંઢ ગામ વચ્ચેના માર્ગ ઉપર રસ્તા ઉપરનો ખાડો બચાવવા જતાં બાઇકને નડેલા અકસ્માતમાં બિદડાના સંઘાર પરિવારના ગૃહિણી હિરબાઇ શિવજીભાઇ સંઘારને મોત આંબી ગયું હતું. જયારે તેમની ત્રણ માસની વયની પુત્રી સાક્ષીને ઇજાઓ થઇ હતી. પોલીસે આપેલી માહિતી મુજબ મરનાર હિરબાઇ અને તેમના પતિ શિવજીભાઇ રામજીભાઇ તેમની કુમળી વયની પુત્રી સાક્ષી સાથે શેરડીથી પોતાના ગામ બિદડા જવા માટે નીકળ્યાં હતાં ત્યારે ગઇકાલે તેમને આ જીવલેણ અકસ્માત નડયો હતો.માર્ગ ઉપરનો ખાડો ટાળવા માટેના પ્રયાસો દરમ્યાન બાઇક ઉપરથી ચાલક શિવજીભાઇએ કાબૂ ગુમાવતાં પુત્રીને હાથમાં રાખીને પાછળની સીટ ઉપર સવારી કરી રહેલાં હિરબાઇ જમીન ઉપર ફેંકાયાં હતાં. ગંભીર ઇજાઓ પામેલાં હિરબાઇનું સારવાર માટે માંડવી લઇ જતી વેળાએ રસ્તામાં જ મૃત્યુ થયું હતું. જયારે સાક્ષીને સારવાર તળે રખાઇ છે. ગઢશીશા પોલીસ મથકના ઇન્સ્પેકટર આર.ડી. ગોજીયાએ કેસની તપાસ હાથ ધરી છે. - અજ્ઞાત વાહન હડફેટે ઇજા  બીજીબાજુ પૂર્વ કચ્છના અંજાર શહેરમાં યક્ષદાદાના મંદિર નજીક આજે સવારે કોઇ અજાણ્યા વાહનની ટકકર લાગતાં ગાંધીધામના ખંજન હરેશભાઇ મહેતા (ઉ.વ.20)ને ઇજાઓ   થઇ હતી. અકસ્માત બાદ   અજ્ઞાત વાહન નસાડી જવાયું હતું. ભોગ બનનારને    અંજારથી વધુ સારવાર માટે ભુજ ખસેડાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer