`નર્મદા મુદ્દે ઈચ્છાશક્તિ''ના નિવેદન પર કચ્છ ભાજપ વિભાજિત

ભુજ, તા. 1 : સૌરાષ્ટ્રમાં `સૌની' યોજનાના હજારો કરોડનાં કામો સંપન્ન થઈ ગયાં. ઉત્તર ગુજરાતમાં પણ નર્મદા નહેર છલોછલ વહે છે, જ્યારે સરહદી સૂકા અને સરદાર સરોવર યોજનાના પાયામાં રહેલા કચ્છમાં એક માત્ર સિંચાઈ નહેર પણ હજુ સંપન્ન થઈ નથી. માંડવી તાલુકાના મોડકુબા સુધી ટુકડે ટુકડે નહેર બંધાઈ ગઈ પણ હજુ 23 કિ.મી.નું કામ કોર્ટ કેસ અને જમીન સંપાદન મુદ્દે આગળ જ વધતું નથી. ત્યારે આ કાર્ય બનતી ત્વરાએ પૂર્ણ કરવાની રાજ્ય સરકારની ઈચ્છાશક્તિ નથી તેવું કચ્છહિતનું નિવેદન કરીને જિલ્લામાં રાજકીય ભૂકંપ સર્જનારા પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડાના રાજકીય ઈચ્છાશક્તિવાળાં આ નિવેદન થકી શિસ્તબદ્ધ એવો ભાજપ પક્ષ પણ બે ધારાઓમાં વિભાજિત થતો ભાસી રહ્યો છે. પક્ષના તમામ ચૂંટાયેલાઓએ એક સાથે બે પાનાની યાદીમાં આ નિવેદનને આઘાતજનક ગણાવ્યું છે, તો નર્મદા માટે વર્ષોથી કાર્યરત સંસ્થા-વ્યક્તિઓએ આ નિવેદનને આવકાર્યું છે. તે વચ્ચે શ્રી છેડાને રાજકીય ટેકો જાહેર કરીને કોંગ્રેસે પણ બળતામાં ઘી હોમી દીધું છે. કચ્છના રાજ્યમંત્રી વાસણભાઈ આહીર, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યો ડો. નીમાબેન આચાર્ય, વીરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી અને જિલ્લા પંચાયત અધ્યક્ષ લક્ષ્મણસિંહ સોઢાએ પક્ષના પીઢ અગ્રણીનું નિવેદન આઘાતજનક ગણાવી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કચ્છ પ્રત્યે ખૂબ લાગણી ધરાવે છે તેમના સંવેદનશીલ વહીવટમાં કચ્છ કે કોઈ પ્રદેશને અન્યાય થવાનો પ્રશ્ન જ નથી ઊઠતો. કોરોના મહામારીના વાયરસની ચિંતામાં પણ તેઓ કચ્છની સતત ચિંતા કરી રહ્યા છે તેવા શબ્દો સાથે શ્રી છેડાને પક્ષની વિચારધારાથી અલગ કર્યા છે. નર્મદા મુદ્દે દરેક ધારાસભ્યની હાજરીમાં બજેટ સત્ર પૂર્વે નર્મદા નિગમના ચેરમેન સાથે મુખ્યમંત્રીએ બેઠક યોજી નહેરના કામોની સમીક્ષા કરી કાયદાકીય વિઘ્નો હોય તો તે દૂર કરી કામને પુન: શરૂ કરવાના નિર્દેશ અપેલા, બજેટમાં પણ સવિશેષ જોગવાઈ કરવામાં આવી, પરંતુ કોરોના આવી જતાં એ સંકટને અગ્રતા આપવામાં આવી તેવા બચાવ સાથે આ યાદીમાં વધુમાં જણાવાયું છે કે કચ્છના પશુધનને બચાવવા કોરોનાકાળમાં વધુ 70 લાખની સબસિડી પણ શ્રી રૂપાણીએ આપી છે. અમે ધારાસભ્યો તથા સાંસદ જ્યારે મુખ્યમંત્રી પાસે પ્રજાકીય પ્રશ્નોની રજૂઆત કરી ત્યારે હંમેશાં હકારાત્મક પરિણામલક્ષી પ્રતિસાદ મળ્યો છે એમ કહેતાં તેમણે ઉમેર્યું કે, સરકારની ઈચ્છાશક્તિ અંગે સવાલ ઉઠાવવો એ સર્વેના છબી ખરડવા સમાન ગણી શકાય તેવા શબ્દો ટાંકીને કચ્છના નર્મદાનાં કામ પૂર્ણ થવા અંગે અમને કોઈ શંકા નથી, તેવું પણ લખી આપ્યું છે. મહામારીના સમયમાં માત્ર રાજકીય નિવેદન કરવા પીઢ રાજકારણીને શોભાસ્પદ નથી, ઉચિત પણ નથી તેવું કહીને સીધી જ સરકારની તરફેણમાં ઊભતા આ નેતાઓએ મુખ્યમંત્રીને હકારાત્મક, સંવેદનશીલ અને કચ્છના ખેડૂતોના હિતવાળો અભિગમ ધરાવતા મુખ્યમંત્રી ગણાવ્યા છે અને બાકી રહેલા નર્મદાનાં કામોનો તેઓ જ નિવેડો લાવશે તેમાં તેમને (ચૂંટાયેલાઓને) કોઈ શંકાને સ્થાન નથી, તેવું પણ સ્પષ્ટ લખી નાખ્યું છે. કચ્છ કોંગ્રેસ સાથે થઈ કચ્છની જીવાદોરી સમી નર્મદા યોજના જેવા અત્યંત સંવેદનશીલ મુદ્દાને ભગવી બ્રિગેડમાં ફૂટબોલની જેમ ઉછળતા જોઈને કોંગ્રેસ પક્ષે પણ તેમાં ઝંપલાવ્યું છે અને ગુજરાત સરકારની વિલંબની નીતિના મુદ્દે પૂર્વ રાજ્યમંત્રી અને ભાજપના અગ્રણી તારાચંદ છેડાએ અવાજ ઉઠાવ્યો, હવે તેઓ જો જનઆંદોલનનું નેતૃત્વ કરશે તો કોંગ્રેસ તેની સાથે રહેશે તેવું એક નિવેદનમાં જણાવાયુ છે. જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએઁ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારતના પ્રથમ વડાપ્રધાન પં. નેહરુજીએ સૌરાષ્ટ્ર-કચ્છ સાથે ગુજરાત માટે મહત્ત્વાકાંક્ષી નર્મદા યોજનાનો શિલાન્યાસ કર્યો તેને આજે 41 વર્ષ બાદ ગુજરાતની બધી કેનાલોનાં કામો પૂર્ણ થયા છતાં કચ્છ બ્રાન્ચ કેનાલના કામોમાં ગુજરાત સરકારે ઉદાસીનતા દાખવી છે એ સાફ વાત છે. છેલ્લા છ વર્ષથી કેન્દ્રમાં અને 25 વર્ષથી ગુજરાત રાજ્યમાં ભાજપ સરકાર હોવા છતાં કામો પૂર્ણ કેમ નથી થયાં ? સરકારી તથા કેર્ટના અવલોકનો બાદ 1.00 મિલિયન એકરફીટની જાહેરાતના 14 વર્ષ બાદ પણ કચ્છને અન્યાય શા માટે ? પૂર્વ રાજ્યમંત્રી શ્રી છેડાએ નૈતિકતાથી રજૂઆત કરી છે ત્યારે જિલ્લાના સાંસદ, ભાજપના ધારાસભ્યો ચૂપ કેમ છે ? કચ્છમાં ઘડુલી-સાંતલપુર રોડ, ભુજોડી ઓવરબ્રિજ, અંજાર બાળભૂમિ સ્મારકના કામોમાં અન્યાય ઉપરાંત આ નર્મદા મુદ્દે થનારા આંદેલનમાં કોંગ્રેસ સાથે રહેશે તેવું જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ અને જિ.પં. વિપક્ષી નેતા વી.કે. હુંબલે અને જિલ્લા પ્રવકતા ગનીભાઇ કુંભારે જણાવ્યું હતું. દરમ્યાન એક અલગ યાદીમાં કોંગ્રેસના પ્રદેશમંત્રી રવીન્દ્ર ત્રવાડીએ ભાજપના પીઢ મોવડી તારાચંદભાઇની વાત સાથે કોંગ્રેસની સહમતી દેખાડીને સમગ્ર કચ્છના રાજકારણીઓ એક જ અવાજમાં સરકારને રજૂઆત કરે તેમ જણાવ્યું છે. કચ્છ ડેવ. કાઉન્સિલ : કચ્છ ડેવલપમેન્ટ કાઉન્સિલના અશોક મહેતા બાદ આજે ઉપપ્રમુખ શશિકાંતભાઈ ઠક્કર પણ બહાર નીકળી આવ્યા છે. તેમણે બે પાનાંના નિવેદનમાં નર્મદાનું પાણી કચ્છને આપવાનાં કામો અંગે ગુજરાત સરકાર દ્વારા કચ્છને સતત થતા અન્યાયનો પડઘો દિલ્હી દરબારમાં પાડવા બદલ અને ખરેખરો પ્રજાધર્મ બજાવવા બદલ પૂર્વ રાજ્યમંત્રી અને ગૌસેવક તારાચંદભાઈ છેડાને લાખ લાખ ધન્યવાદ આપ્યા છે. કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જાગ્યા ત્યારથી સવાર માનીને તેમને અનુસરીને કચ્છના આ પ્રાણપ્રશ્નનો ઉકેલ લાવવા ગુજરાત સરકારને ફરજ પાડે તે આજના સમયનો તકાજો છે. તેવી માંગ ઉઠાવતાં આ બુઝુર્ગ અભ્યાસુનું કહેવું છે કે કચ્છમાં નર્મદાની મુખ્ય નહેરના અટકેલાં કામો અંગે જમીન સંપાદન બાકી હોવાનું જણાવાય છે, પરંતુ જમીન સંપાદન અધિકારીની જગ્યા જ સરકાર ઈરાદાપૂર્વક ભરતી નથી તેવો આક્ષેપ થાય છે. તેની ચોખવટ કરવામાં આવે તેવી માંગ કરી વધારાનાં પાણીનાં કામો શરૂ જ કરાતાં નથી. તેના કારણો પણ સ્પષ્ટ કરવા જણાવાયું છે. ભુજ શહેર ભાજપ : પૂર્વ રાજ્યમંત્રીનાં નિવેદનની સામે ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યએ જે નિવેદન કર્યું છે એને ભુજ શહેર ભાજપના અધ્યક્ષ નવીન ચાંપશી લાલને દુ:ખદ ગણાવ્યું છે. કચ્છ ભાજપના વડીલ અને પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાએ કચ્છની પીડાને વડાપ્રધાન સુધી પહોંચાડી ખેડૂતોની વ્યથાને વાચા આપી છે. તેઓ જ્યારે રાજ્યમંત્રી હતા ત્યારે રાપરના ધારાસભ્ય સાથે મળીને બે વર્ષનું કામ ચાર મહિનામાં પૂર્ણ કરાવ્યું અને તત્કાલીન મુખ્યમંત્રીને વાગડ સુધી લઈ આવ્યા હતા તે યાદ અપાવતાં શ્રી લાલને નોંધ્યું છે કે, આ એ જ તારાચંદ છેડા છે જેમણે 30 વર્ષ પહેલાં નારાયણ સરોવરથી સરદાર સરોવર સુધી કચ્છમાં નર્મદાનાં નીર વહે તે માટે સાઈકલ રેલીનું આયોજન કર્યું હતું. આવા લોકપ્રિય અને સાચા નેતાનો વિરોધ કરવાને બદલે બધાએ એક થઈને આ પ્રશ્ન ઉકેલાય અને કચ્છમાં પાણી આવે તેવા પ્રયાસો કરવા પણ હાકલ કરી છે. દરમ્યાન, કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલનો શ્રી છેડાના આ નિવેદન સંદર્ભે મત જાણવા વારંવાર કરેલો ફોન નોરિપ્લાય આવતાં તેમનો પ્રતિભાવ જાણી શકાયો નહતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer