અનલોક-1ના પ્રારંભે જ કચ્છ ધમધમ્યું

અનલોક-1ના પ્રારંભે જ કચ્છ ધમધમ્યું
ભુજ, તા. 1 : સળંગ સવા બે મહિનાના એક પછી એક ચાર લોકડાઉન બાદ અનલોક-1ના આજના પ્રથમ દિવસે જ સ્પ્રિંગ પરથી વજન લઇ લેવાય અને જે પ્રેશર સાથે સ્પ્રિંગ ઉછળે એ રીતે કોરોના મહામારીને જાણે ખુલ્લું નોતરું આપતા હોય તેમ નાગરિકો શહેરભરમાં જ નહીં કચ્છભરમાં રસ્તા પર નીકળી આવ્યા હતા. બજારોમાં ગ્રાહક ઓછી ખરીદશક્તિએ હાજરી પુરાવવા નીકળ્યો હતો, પણ તેની હાજરી માત્રથી વેપારીઓના ચહેરે ચમક હતી. દુકાનોના ઓટલે બેસી બેસીને 67-68 દિવસ પસાર કરનારા પુન: ધંધામાં પરોવાતાં સવારથી મોડી બપોરે સુધી ધમધમાટ નોંધાયો હતો. જો કે, તાપની સીધી અસર તળે બપોર બાદની હાજરી પાંખી હતી અને સાંજે સાત વાગ્યા ત્યાં તો ખુદ વેપારીઓએ જ સ્વયંભૂ દુકાનો વધાવીને પુન: કોરોનાને યાદ કર્યો હતો. કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારે અનલોક-1ની માર્ગદર્શિકા જાહેર કરી અને ધંધા-ઉદ્યોગોને પુન: કાર્યાન્વિત થવાની છૂટ આપી તેને પગલે સવા બબ્બે મહિનાથી ઘરોમાં પૂરાયેલા અને ખુલ્લી હવામાં નીકળવા માગતા વર્ગના જીવમાં જીવ આવ્યો હતો અને સોમવારની વહેલી સવારે જ મોર્નિંગ વોક શોખીનોએ રસ્તા પર આવી જઇને છૂટને વધાવી હતી. એકતરફ બધી જ દુકાનો કોઇ પણ શરત વગર તબક્કાવાર ખોલવાની સરકારે છૂટ આપી અને બીજીતરફ તબક્કાવાર અનલોક-1માં પણ વધુ છૂટછાટ અપાશે તેવી જાહેરાતને પગલે જનજીવનમાં ચેતન આવી ગયું હતું. જો કે, પ્રારંભ સાથે જ સામાજિક અંતર ભૂલાયું હતું અને માસ્ક ચહેરે ચહેરે દેખાયા હતા, દુકાનો પર પણ સેનિટાઇઝેશનની વ્યવસ્થા જોવા મળી હતી. થપ્પડ ખાઇને લાલ મોઢું રાખનારી બજારનું એક અલગ સ્વરૂપ જોવા મળ્યું હતું. કોઇ પણ ધર્મ નહીં પણ વેપાર ધર્મમાં માનતા અલગ અલગ જ્ઞાતિના નાના-મોટા વેપારીઓએ કોરોના સંકટને રાષ્ટ્રીય સંકટ તથા કુદરતી કોપ ગણાવી પોતે શું ગુમાવ્યું તેની ચિંતા-ચર્ચા કરી હતી. લગ્નગાળાની તથા ઇદની ઘરાકી તો ગઇ, વચ્ચે તહેવારો પણ ન ઊજવાયા, ન નવરાત્રિ ન હાજીપીરનો મેળો, ન બૈશાખીના ઢોલ વાગ્યા. દુકાનોમાં દિવાળી પછી અને હોળી આસપાસ આ બધા તહેવારોને ધ્યાનમાં રાખીને ખડકેલો માલ તથા ચૂકવેલા કે ચૂકવવાના થતાં નાણાંની ચર્ચાએ અનેકની આંખો ભીની કરી દીધી હતી. તો હોશિયાર અને ઠરેલા ધંધાર્થીઓએ `જાન હૈ તો જહાન હૈ' એ યાદ અપાવી કમાઇ લેશું ભવિષ્યમાં એવા સધિયારા આપ્યા હતા. જે રીતે લોકો મહામારીને ભૂલીને રસ્તા પર નીકળી પડયા, જો કે, જાગૃતોએ સોશિયલ મીડિયા પર વ્યંગ પણ વહેતો કરી દીધો હતો. લોક-અનલોક અને હવે ધ્યાન નહીં રાખો તો પરલોક. દરમ્યાન, ભચાઉના પ્રતિનિધિના હેવાલ અનુસાર લોકડાઉન ખૂલતાં આ તાલુકા મથકની બજારો ગ્રાહકોથી ઊભરાઇ ઊઠી હતી. મામલતદાર કચેરી બહાર ધારાશાત્રીઓની કચેરીઓ પણ કામ કરતી થઇ હતી. સરકારી કચેરીઓમાં પણ અરજદારો પહોંચ્યા હતા. ભચાઉની બજારમાં અનેક વાહનોના કાફલા ખાસ કરીને મુંબઇ સ્થિત વાગડવાસીની કારો સ્થાનિક વાહનોની ભીડથી રસ્તા પર તહેવાર કે મોટા પ્રસંગો જેવો માહોલ ખડો થયો હતો. સામાજિક અંતરની કંઇ જ બંધી દેખાઇ નહીં.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer