સતત ત્રીજા બનાવમાં ઝડપાયેલો માલ એકસરખો : અગાઉ ધરબાયેલો સામાન હવે હાથ લાગી રહ્યો છે ?

ભુજ, તા. 1 : કચ્છની અટપટી ક્રીક સરહદ ચરસનો જથ્થો ઝડપાયાના ઉપરાઉપરી ત્રણ બનાવોને લીધે ફરી ચર્ચાના કેન્દ્રમાં છે. સોમવારે નૌકાદળની ગુપ્તચર પાંખે સીમાદળના સહયોગથી ઝડપેલા 19 પેકેટના રહસ્યનો તાગ મેળવવા અત્યારથી એજન્સીઓ સક્રિય બની રહી છે. એક તરફ આ 19 પેકેટમાં મોટાભાગના અગાઉ ઝડપાયેલાં 19 અને એક પેકેટ જેવાં કોફીના પેકિંગ ધરાવતાં હોવાનું પ્રાથમિક અહેવાલોમાં બહાર આવ્યું છે. આમ આ માલ નવો નહીં, પણ ક્રીકમાં લાંબા સમયથી દબાયેલો પડયો હોવાનું તારણ આકાર લઇ રહ્યં છે. સંબંધિત વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ એવી અટકળ હવે ગંભીર બની રહી છે કે વિશાળ કોરીક્રીકના ટીમડી વિસ્તારમાં કોઇનો નધણિયાતો માલ દબાયેલો પડયો છે. જેને અમુક તત્વો મોકો મળે ત્યારે શોધીને રોકડી કરી લેવાની વેતરણમાં રહેતાં હોય છે. તો બીજી તરફ એજન્સી સાથે સંકળાયેલા એક ઉચ્ચ વર્તુળે પોતાની ઓળખ જાહેર ન કરવાની શરતે માહિતી આપી હતી કે એક સોર્સે થોડા દિવસ અગાઉ લક્કીનાળા વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલ નોંધી હતી. આ હિલચાલમાં અમુક લોકો બોટ દ્વારા આવીને કશું છુપાવતા હોવાનું કળાયું હતું. આ બાતમી ઉપરથી આજનું ઓપરેશન પાર પડાયું હોવાનો દાવો કરાઇ રહ્યો હોવાની ચર્ચા છે. તો બીજી તરફ નૌકાદળની ગુપ્તચર પાંખના વર્તુળોના જણાવ્યા મુજબ દોઢેક મહિના અગાઉ સિંધના થટ્ટામાં મળેલી એક ભારે સંવેદનશીલ બેઠકના ભાગરૂપે આ કેફી દ્રવ્યો ઝડપાઇ રહ્યાં હોવાની શંકા દૃઢ બની રહી છે. દોઢ મહિના અગાઉ આઇએસઆઇ, ડી કંપની, પાક મરિન્સના સંકલન સાથેની આ બેઠકમાં દોઢસો જેટલા માછીમારો અને આગેવાનોએ ભાગ લીધો હોવાનું કહેવાય છે. આ બેઠકમાં ક્રીક સરહદ વાટે ડ્રગ્સની હેરાફેરી વધારવાનો નિર્ણય લેવાયો હતો. જોકે છેલ્લા ત્રણ બનાવોની વાત કરીએ તો શેખરણપીર નજીકથી પશ્ચિમ કચ્છ પોલીસે ઝડપેલાં 16 પેકેટનો જથ્થો ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીને તપાસ માટે સોંપાયો છે. હવે આ તપાસમાં ચરસ કેટલું જૂનું છે અને કેટલા સમય સુધી કાદવમાં ધરબાયેલું છે તેની જાણ થઇ શકશે એમ પોલીસ અધીક્ષક સૌરભ તૌલંબિયાએ કચ્છમિત્રને કહ્યં હતું. આ તપાસ બાદ જ માલ જૂનો છે કે પછી નવી કોઇ ખેપ થઇ છે તે છતું થઇ શકશે એમ તેમણે ઉમેર્યું હતું. આજની કાર્યવાહી અંગે પૂછતાં તેમણે કહ્યંy હતું કે આજે જ્યાંથી માલ મળ્યો છે તે જગ્યાના અક્ષાંશ અને રેખાંશ આજ કાલમાં મળી જશે તે પછી પોલીસ દ્વારા આખા વિસ્તારને ઉપરતળે કરીને ઝીણવટભરી તપાસ હાથ ધરાશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer