લાળનો વિકલ્પ ઇચ્છતો બુમરાહ

લાળનો વિકલ્પ ઇચ્છતો બુમરાહ
નવી દિલ્હી, તા.1: ભારતીય ક્રિકેટ ટીમના ટોચના ઝડપી બોલર જસપ્રિત બુમરાહને મેદાન પર ગળે લાગવું કે હાઇ-ફાઇની કમી નહીં મહેસૂસ થાય, પણ દડા પર લાળ લગાવવાની ખોટ જરૂર મહેસૂસ થશે. તેનું માનવું છે કે લાળનો વિકલ્પ ઉપલબ્ધ કરાવવો પડશે. ભારતના પૂર્વ સુકાની અનિલ કુંબલેની અધ્યક્ષતાવાળી આઇસીસીની ક્રિકેટ કમિટિએ કોરોના વાઇરસની મહામારી બાદ ક્રિકેટ જયારે પણ શરૂ થાય ત્યારે દડાને ચમકાવવા માટે લાળનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકવાનો સૂચન કર્યું છે. ઇંગ્લેન્ડ, વિન્ડિઝ અને શ્રીલંકાએ તેમના પ્રેકટીસ સેશનમાં આ નિયમ અમલી પણ કરી દીધો છે. આઇસીસીએ હજુ સુધી દડા પર કૃત્રિમ પદાર્થ લગાવવાની અનુમતી આપી નથી. આથી નવા નિયમો બોલરો માટે કઠિન છે. આથી બુમરાહ સહિતના અનેક બોલરોની માંગ છે કે લાળનો વિકલ્પ મળવો જોઇએ. અન્યથા રમત એકતરફી બની જશે. બુમરાહે આઇસીસીની વીડિયો સિરિઝ ઇનસાઇડ આઉટમાં વાતચીત કરતા જણાવ્યું કે હું આમ પણ મેદાન પર ગળે લગકાવવા કે હાઇ-ફાઇ કરનારા ખેલાડીઓની સૂચિમાં નથી. આથી મને તેની ખોટ પડશે નહીં, પણ લાળની ખોટ જરૂર પડશે. તે કહે છે કે જયારે પણ રમત શરૂ થશે ત્યારે કેવા દીશા-નિર્દેશ હશે. પણ લાળનો વિકલ્પ આપવો પડશે. નહીંતર રમત પૂરી રીતે બેટધર તરફી બની જશે. આમ પણ મેદાન નાના હોય છે અને વિકેટ સપાટ હોય છે. આથી બોલરોની મુશ્કેલીમાં વધારો થશે. બોલને ચમકાવવા માટે કોઇ કૃત્રિમ પદાર્થની જરૂર પડશે તો બોલ સ્વીંગ અને રીવર્સ સ્વીંગ થશે. અન્યથા ફકત સીધા જ બોલ આવશે. બોલરો ફકત થ્રોડાઉન માટે મેદાનમાં ઉતરતા નથી. સ્વીંગ મળવા જોઇએ.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer