ધીણોધર-થાન જાગીરના 3.50 કરોડનાં વિકાસકામો તાત્કાલિક સંપન્ન કરવા માંગ

ધીણોધર-થાન જાગીરના 3.50 કરોડનાં  વિકાસકામો તાત્કાલિક સંપન્ન કરવા માંગ
વિરાણી મોટી (તા. નખત્રાણા), તા. 31 : કચ્છના નાથ સંપ્રદાય પરંપરાના શિરમોર સ્થાનક થાન જાગીર અને કચ્છના હિમાલયની ઉપમા પામેલા ધીણોધરની વર્તમાન લોકડાઉન થકી સર્જાયેલી આર્થિક બેહાલ પરિસ્થિતિ અંગેના કચ્છમિત્રમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલના પગલે દોડી આવેલા રાજ્યમંત્રી વાસણભાઇ સમક્ષ ત્રણ વર્ષ અગાઉ ફાળવાયેલા રૂા. 3.50 કરોડનાં વિકાસકામો તાત્કાલિક સંપન્ન કરાવવા માંગ કરાઇ હતી. થાન જાગીર અને ધીણોધર વિસ્તારમાં ચાલતી શિકારી પ્રવૃત્તિઓ, લીલી ઝાડીની વૃદ્ધિ, આર્થિક બેહાલ પરિસ્થિતિના હેવાલોના પગલે રાજકીય લોકપ્રતિનિધિઓ, જીવદયાપ્રેમીઓ, દાતાઓ તથા રાજ્યમંત્રી વાસણભાઇ આહીરે મુલાકાત લીધી હતી. શ્રી આહીરે પક્ષીઓનાં ચણ માટે રૂા. એક લાખનું દાન જાગીરના મહંત સોમનાથજી દાદાને અર્પણ કર્યું હતું તેમજ પાટીદાર ગ્રુપ દ્વારા ચાલતા નીરણ?કેન્દ્રમાં ગાયોને ચારો અને પક્ષીને ચણનો આરંભ કરાવ્યો હતો. આ પ્રસંગે વિસ્તારના અગ્રણીઓએ ધીણોધર અને થાન જાગીરના વિકાસ માટે પ્રવાસન વિભાગ દ્વારા જાહેર કરાયેલી રૂા. 3.50 કરોડની ગ્રાન્ટમાંથી થતાં વિકાસકામો તાત્કાલિક ધોરણે સંપન્ન કરાવવા માંગ કરી હતી. શ્રી આહીરે આ સંદર્ભે ગાંધીનગર કક્ષાએ રજૂઆત કરી ન્યાય અપાવવા ખાતરી આપી હતી. રાજ્યમંત્રીએ નખત્રાણા, લખપત, અબડાસાના વિવિધ વિસ્તારોમાં ચાલતી જીવદયા પ્રવૃત્તિમાં અનુદાન આપવામાં આવશે તેવું જણાવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી, જીવાભાઇ આહીર, તા.પં. પ્રમુખ નયનાબેન પટેલ, જિ.પં. ન્યાય સમિતિ ચેરમેન વસંત વાઘેલા, રાજેશભાઇ પલણ, મહેશ સોની, ચંદનસિંહ રાઠોડ, લક્ષ્મણસિંહ સોઢા, કાનજીદાદા કાપડી, સરપંચ મહેન્દ્રસિંહ સોઢા, ભરતભાઇ સોમજિયાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer